હરિયાણા પોલીસના બે અધિકારીઓની આત્મહત્યા અને સુસાઇડ નોટ તંત્રમાં સડો ઉજાગર કરે છે
હરિયાણા પોલીસમાં બે હાઇ-પ્રોફાઇલ આત્મહત્યાઓએ સમગ્ર પોલીસ વિભાગમાં શોક ફેલાવ્યો છે. 7 ઓક્ટોબરના રોજ, આઇપીએસ વાય. પૂરણ કુમારે એક સુસાઇડ નોટ લખી હતી જેમાં વરિષ્ઠ અધિકારીઓ પર જાતિ આધારિત ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. હવે, રોહતકમાં એએસઆઇ સંદીપકુમારે પોતાની આત્મહત્યા પહેલા એક સુસાઇડ વીડિયો જાહેર કર્યો છે, જેમાં પૂરણ કુમારની આત્મહત્યા અંગે પ્રશ્નો ઉભા થયા છે. જ્યારે પૂરણકુમારની સુસાઇડ નોટમાં જાતિ આધારિત ઉત્પીડનને તેમના મૃત્યુનું કારણ ગણાવવામાં આવ્યું છે, ત્યારે સંદીપનો વીડિયો અને નોટ પૂરણ પર ભ્રષ્ટાચાર અને જાતિવાદ ફેલાવવાનો આરોપ લગાવે છે. બંને મૃત્યુ એક અઠવાડિયાની અંદર થયા હતા અને બંનેએ સુસાઇડ નોટ છોડી દીધી હતી.
આ બે સુસાઇડ નોટ્સે સિસ્ટમની અંદરના સત્યને બે અલગ અલગ દિશામાં ફેંકી દીધું છે. પૂરણ કુમારના ગનમેન સુશીલ કુમારને સંડોવતા મુખ્ય કેસમાં તપાસ ટીમનો ભાગ રહેલા સંદીપ કુમારે પોતાની ત્રણ પાનાની સુસાઇડ નોટ અને એક વિડીયો સંદેશમાં આઇપીએસ પુરણ કુમાર સામે ભ્રષ્ટાચાર અને જાતિવાદના ગંભીર આરોપો લગાવ્યા છે. સંદીપ કુમારે પોતાની સુસાઇડ નોટ અને વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, સદર પોલીસ સ્ટેશન હત્યા કેસમાં આઇપીએસ પૂરણ કુમારે પૈસા લીધા હતા. રાવ ઈન્દ્રજીતને બચાવવા માટે 50 કરોડનો સોદો કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પૂરણ કુમારનો ભ્રષ્ટાચાર ઊંડે સુધી ફેલાયેલો હતો અને તેમણે પોતાની જાતિના ભ્રષ્ટ અધિકારીઓનું રક્ષણ કર્યું હતું. જાતિવાદનું ઝેર ફેલાવવાના આરોપ - સંદીપે લખ્યું છે કે રોહતક રેન્જમાં ટ્રાન્સફર થયા પછી, પૂરણ કુમારે તેમની જાતિના ભ્રષ્ટ પોલીસકર્મીઓને આઇજીની ઓફિસમાં પોસ્ટ કર્યા, જ્યારે પ્રામાણિક અધિકારીઓને બાજુ પર રાખ્યા.
તેમણે પોલીસ પર ફાઇલો સોંપવાની ધમકી આપીને પૈસા પડાવવાનો અને બિનજરૂૂરી તપાસ માટે બોલાવીને માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત તેમણે મહિલા અધિકારીઓના શોષણ અને રાજકીય કનેકશનનો પણ ઉલ્લેખ કર્યો છે. સંદીપે પોતાની સુસાઇડ નોટમાં આરોપ લગાવ્યો છે કે મહિલા પોલીસ અધિકારીઓને ટ્રાન્સફરના નામે હેરાન કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં તેમનું જાતીય શોષણ પણ કરવામાં આવતું હતું. નાગરિકો અને ઉદ્યોગપતિઓ પાસેથી મોટી લાંચ પણ લેવામાં આવતી હતી. તેમણે લખ્યું છે કે પૂરણ કુમારે ગુનાખોરીને રોકવાને બદલે તેને પ્રોત્સાહન આપ્યું હતું. આ બન્ને અધિકારીઓની સુસાઇડ નોટ અને તેમાં વર્ણાવાયેલા બનાવો સાચા હોય તો પોલીસતંત્ર ભ્રષ્ટ અને સગાવાદથી ખદબદતુ હોવાનું સાબીત થાય છે. રાજકીય દખલગીરી પણ અસરકારક અને નિષ્પક્ષ પોલીસીંગની આડે આવે છે. હરિયાણાની આ બે ઘટનાએ કાળી બાજુ ઉજાગર કરી પણ વત્તાઓછા અંશે આ વાત તમામ રાજયો અને કેન્દ્રીય એજન્સીને પણ લાગુ પડે છે.