વિદ્યાર્થીઓને કેપીસીટી કરતા વધુ લક્ષ્યાંક આપી નહીં શકાય
શાળાઓમાં વધેલી હિંસક પ્રવૃત્તિને અટકાવવા શિક્ષણ વિભાગ એકશનમાં: કાઉન્સેલર અને સાયક્રિયાટ્રીકની ભરતી કરવી પડશે, ગાઇડલાઇન જાહેર કરાઇ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી, શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે
સુપ્રીમ કોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારના કાયદા મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમને ધ્યાનમાં રાખીને, ગુજરાતના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી માટે એક વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે.
આ માર્ગદર્શિકા ઉમ્મીદ ડ્રાફ્ટ ગાઇડલાઇન્સથ અને નેશનલ સ્યૂસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીથના સિદ્ધાંતો પર આધારિત છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માનસિક સમસ્યાઓ અને આત્મહત્યાના કિસ્સાઓ અટકાવવાનો છે શિક્ષણ સંસ્થાઓમાં વધતી સ્પર્ધા, અભ્યાસનો ભાર અને તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ વળતા બનાવો અટકાવવા માટે આ માર્ગદર્શિકા અસરકારક સાબિત થશે. સરકારએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને આ નિયમોનો કડક પાલન કરવા ફરમાન આપ્યું છે.
આ પગલાંઓનો હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક દબાણ, તણાવ અને અન્ય માનસિક પડકારો સામે મદદ કરવાનો છે, જેથી તેઓ સુરક્ષિત અને સહાયક વાતાવરણમાં અભ્યાસ કરી શકે. આ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે સંસ્થાઓએ આંતરિક સમિતિઓ પણ બનાવવી પડશે. આ પહેલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ કદમ છે.માર્ગદર્શીકામા જણાવ્યુ છે કે તમામ શૈક્ષણિક સંસ્થાઓએ એકસમાન માનસિક આરોગ્ય નીતિ અપનાવી અમલમાં મૂકવાની રહેશે.
100 કે તેથી વધુ વિદ્યાર્થી ધરાવતી તમામ સંસ્થાઓએ ઓછામાં ઓછા એક અનુભવી કાઉન્સેલર, મનોચિકિત્સક અથવા સામાજિક કાર્યકરને નિયુક્ત કરવાના રહેશે. ઓછી સંખ્યામાં હોય તો બાહ્ય માનસિક આરોગ્ય નિષ્ણાત સાથે સંકલન રાખવાનું રહેશે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થી-કાઉન્સેલરનો યોગ્ય ગુણોત્તર સુનિશ્ચિત કરવાનો રહેશે. ખાસ કરીને પરીક્ષા સમયગાળા અને શૈક્ષણિક પરિવર્તન દરમિયાન મેન્ટર અથવા કાઉન્સેલર નિયુક્ત કરવાના રહેશે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓએ ખાસ કોચિંગ સંસ્થાઓ/કેન્દ્રોએ શક્ય હોય ત્યાં સુધી શૈક્ષણિક સ્પર્ધા, જાહેરમાં શરમજનક ટિપ્પણીઓ અથવા વિદ્યાર્થીઓની ક્ષમતાઓ કરતાં વધુ પડતા લક્ષ્યાંકો સોંપવા જેવી બાબતો ન બને તેની તકેદારી રાખવાની રહેશે.
માનસિક આરોગ્ય સેવાઓ, હોસ્પિટલો, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન માટે તાત્કાલિક સંપર્ક થાય તે માટે લેખિત પ્રોટોકોલ સ્થાપવાના રહેશે. તેને હોસ્ટેલ, વર્ગખંડો, સંસ્થાના પરિસર અને વેબસાઇટ પર મોટા અને સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવવાના રહેશે. તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે વર્ષમાં ઓછામાં ઓછા બે વાર સર્ટિફાઈડ માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો દ્વારા મનોવૈજ્ઞાનિક પ્રાથમિક સારવાર અને રેફરલ પદ્ધતિઓ બાબતે ફરજિયાત તાલીમ લેવી પડશે.
શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી કર્મચારીઓ સંવેદનશીલ, ભેદભાવ વિના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી શકે તેવા તાલીમ પામેલા હોવા જોઇશે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓએ જાતિ, વર્ગ, લિંગ, જાતીય અભિગમ, અપંગતા, ધર્મ અથવા વંશીયતાના આધારે જાતીય હુમલો, ઉત્પીડન, રેગિંગ, ગુંડાગીરી જેવી ઘટનાઓની જાણ કરવા, નિવારણ અને અટકાવવા માટે મજબૂત, ગુપ્ત અને સુલભ પદ્ધતિઓ સ્થાપિત કરવાની રહેશે. તાત્કાલિક પગલાં લેવા સમિતિ અથવા સત્તાધીશને નિયુક્ત કરવાનો રહેશે.