મરાઠી નહીં બોલતા છાત્રને માર મારતા આઘાતમાં જીવ દઇ દીધો
કલ્યાણથી એક ખૂબ જ પીડાદાયક અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભાષાના વિવાદે એક વિદ્યાર્થીનો ભોગ લીધો છે. કલ્યાણના તીસગાંવ નાકાના રહેવાસી 18 વર્ષીય અર્ણવ ખૈરેએ લોકલ ટ્રેનમાં થયેલા હુમલા બાદ માનસિક તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી. અર્ણવ હંમેશની જેમ કોલેજ જવા માટે નીકળ્યો હતો. મુલુંડમાં કોલેજ જતી વખતે, લોકલ ટ્રેનમાં તેને ધક્કો વાગતાં તેણે એક મુસાફરને થોડું ખસી જવા માટે હિન્દીમાં કહ્યું હતું.
આનાથી ગુસ્સે ભરાયેલા અન્ય મુસાફરે તેને થપ્પડ મારી અને કહ્યું, તું મરાઠી બોલી શકતો નથી? તને શરમ આવે છે?
ઝઘડો હિન્દી-મરાઠી ભાષાના વિવાદમાં પરિણમ્યો, અને ટ્રેનમાં હાજર 4-5 લોકોના ટોળાએ અર્ણવને ગંભીર રીતે માર માર્યો અને ધમકી આપી. આ હુમલાથી તે ખૂબ જ ડરી ગયો અને માનસિક તકલીફનો ભોગ બન્યો. ડરના કારણે તે મુલુંડને બદલે થાણેમાં ઉતરી ગયો. ઘરે પાછા ફર્યા પછી, અર્ણવે પોતાને રૂૂમમાં બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો.
કોલસેવાડી પોલીસે આ કેસમાં ADR (એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ) નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે. ACP કલ્યાણ - જી. ઘાટેએ જણાવ્યું છે કે પોલીસ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરી રહી છે.
અર્ણવના પરિવારે માંગ કરી છે કે આ ભાષા ભેદભાવની ઘટનાના ગુનેગારોની જલ્દી ધરપકડ કરવામાં આવે. તેમના પિતાએ ભારપૂર્વક કહ્યું છે કે નસ્ત્રભાષા અંગે કોઈ ચર્ચા ન થવી જોઈએ, કે કોઈનું અપમાન ન થવું જોઈએ.