‘ઓપરેશન સિંદૂર’ મુદ્દે રાજકારણ બંધ કરો
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે હાથ ધરેલા ’ઑપરેશન સિંદૂર’ વખતે આખો દેશ એક થઈ ગયો હતો. દેશના સામાન્ય નાગરિકોએ તો ’ઑપરેશન સિંદૂર’ને વધાવીને નરેન્દ્ર મોદી સરકારના પગલાને વખાણેલું જ પણ રાજકીય પક્ષોએ પણ મોદી સરકારને ટેકો આપેલો. એ વખતે બધા રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મામલે કોઈ રાજકારણ ના રમવું એવું નક્કી કરેલું, પણ આ નિર્ધાર એક મહિનામાં તો હવા થઈ ગયો છે. ભાજપે ’ઑપરેશન સિંદૂર’ના નામે રાજકીય લાભ ખાટવા માટે ઘેર ઘેર સિંદૂર મોકલવા સહિતના કાર્યક્રમો નક્કી કરી નાંખ્યા છે તો વિપક્ષોએ ‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે સવાલો ઉઠાવીને સંસદનું વિશેષ સત્ર બોલાવીને ચર્ચાની માગણી કરી નાંખી તેમાં આ મુદ્દે જોરદાર રાજકીય કુસ્તીબાજી શરૂૂ થઈ ગઈ છે.
‘ઑપરેશન સિંદૂર’ મામલે સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે મંગળવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ સહિતના ઈન્ડિયા(I.N.D.I.A) બ્લોકના પક્ષોની બેઠક મળી તેમાં 16 વિપક્ષોએ ભાગ લીધો હતો. આ બેઠક પછી તમામ પક્ષોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. વિપક્ષોનું કહેવું છે કે, ઑપરેશન સિંદૂર’ મુદ્દે ભારતના લોકોને અંધારામાં રાખવામાં આવી રહ્યા છે અને સરકાર ઘણા સવાલોના જવાબો નથી આપી રહી. આ બધાં ડેલિગેશન આઠ જૂન સુધીમાં ભારત પાછાં ફરશે તેથી તેમના પરત ફર્યા પછી આવતા અઠવાડિયે એક વિશેષ સત્રમાં આ મુદ્દા પર ચર્ચાની વિપક્ષોની માગ છે.
‘ઑપરેશન સિંદૂર’ મુદ્દે ચાલી રહેલા રાજકારણે એક વાત સાબિત કરી દીધી છે કે, ભારતના રાજકારણીઓ માટે રાજકીય ફાયદાથી વધારે મહત્ત્વનું કંઈ નથી અને આપણા રાજકારણીઓથી વધારે દંભી બીજું કોઈ નથી. 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરીને આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને મારી નાખ્યા તેનો બદલો લેવા માટે ભારતે સાત મેના રોજ ‘ઑપરેશન સિંદૂર’ હાથ ધરેલું. ભારતીય લશ્કરના જવાનોએ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (POK) અને પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી અડ્ડા પર હવાઈ હુમલા કર્યા હતા. ઈન્ડિયન આર્મીએ 100 આતંકવાદીઓને ઠાર માર્યા ત્યારે સૌએ તેને વધાવેલું, પણ ‘ઑપરેશન સિંદૂર’ના મહિનો પણ થયો નથી ત્યાં તો રાજકારણીઓ તેમની જાત પર આવીને કૂતરાં-બિલાડાંની જેમ લડી રહ્યા છે. લડાઈનો ઉદ્દેશ પણ રાજકીય લાભ ખાટવા સિવાય બીજો કોઈ જ નથી એ જોઈને આઘાત લાગે છે. ભગવાન જ હવે તો આ દેશને આવા નેતાઓથી બચાવે.