ડીઝલ કાર બનાવવાનું બંધ કરો, નહીં તો વેચવી મુશ્કેલ બની જશે: ગડકરી
ડીઝલ વાહનો પર 10 ટકા વધારાના GSTની માંગ કરવામાં આવશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સીઆઇઆઇના એક કાર્યક્રમ દરમિયાન ડીઝલ અંગે મોટી વાત કહી છે. ગડકરીએ લોકોને સલાહ આપતા કહ્યું કે જલદીથી ડીઝલને અલવિદા કહી દો. એટલું જ નહીં, મંત્રીએ કાર નિર્માતા કંપનીઓને ડીઝલ વાહનોનું નિર્માણ બંધ કરવાની પણ અપીલ કરી છે.
નીતિન ગડકરીનું કહેવું છે કે જો જલદીથી ડીઝલ ગાડીઓનું નિર્માણ બંધ નહીં કરવામાં આવે તો તેઓ આ ગાડીઓ પર એટલો ટેક્સ લગાવી દેશે કે તેમને વેચવી મુશ્કેલ બની જશે. આપણે જલદીથી પેટ્રોલ ડીઝલને છોડીને પ્રદૂષણ મુક્ત થવાના નવા માર્ગે ચાલવું પડશે. ગડકરીએ એ પણ કહ્યું કે હું નાણાં મંત્રી પાસેથી ડીઝલ વાહનો પર 10 ટકા વધારાના જીએસટીની માંગ કરીશ.
આ પહેલા નીતિન ગડકરીએ પોતાની કારનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મારી કાર ઇથેનોલથી ચાલે છે. જો તમે પેટ્રોલથી આ કારની તુલના કરશો તો 25 રૂૂપિયા પ્રતિ કિલોમીટરનો ખર્ચ આવે છે, જ્યારે ઇથેનોલથી તેનાથી પણ ઓછો આવે છે. એક લિટર ઇથેનોલ પર 60 રૂૂપિયાનો ખર્ચ આવે છે, જ્યારે પેટ્રોલનો રેટ 120થી ઉપર છે.
નીતિન ગડકરીએ એ પણ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આગામી 10 વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવે. ગડકરીએ આ પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક વ્હીકલ્સને માર્કેટમાં લાવવાની વાત કહી.
નીતિન ગડકરીએ જણાવ્યું કે આજના સમયમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, કાર અને બસ એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સામે આવ્યા છે. જો તમે ડીઝલ પર 100 રૂપિયા ખર્ચ કરશો, તો ઇલેક્ટ્રિસિટી માત્ર 4 રૂપિયા લેશે.