કર્ણાટક, મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન યાત્રામાં પથ્થરમારાના બનાવો: 11 ઘાયલ, 28ની ધરપકડ
ગણેશ વિસર્જન દરમિયાન કર્ણાટકના માંડયા અને મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં પથ્થરમારાના બનાવો બનતા 11 લોકોને ઇજા થઇ હતી. આ બન્ને બનાવો સંબંધમાં કુલ 28 જ્ણાની ધરપકડ કરાઇ છે.
પ્રથમ બનાવમાં કર્ણાટકના મંડ્યામાં ગણપતિ વિસર્જન દરમિયાન ભારે હોબાળો થયાના સમાચાર છે. ગણપતિ વિસર્જન માટે કાઢવામાં આવેલી શોભા યાત્રામાં નજીવા વિવાદ બાદ બે સમુદાયના લોકો એકબીજા સાથે અથડાયા હતા. આ પછી, શોભા યાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો થયાના આરોપો છે. આ પથ્થરમારામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પથ્થરમારાના આરોપસર પોલીસે 21 લોકોની ધરપકડ પણ કરી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસે ત્યાં વધારાની ફોર્સ પણ તૈનાત કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે, જ્યારે લોકો માંડ્યા જિલ્લાના મદ્દુર શહેરમાં ભગવાન ગણેશની મૂર્તિ વિસર્જન માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે બે સમુદાયો વચ્ચે સાંપ્રદાયિક અથડામણ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે બીજા સમુદાયના બદમાશોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી.
બીજા બનાવમાં બુરહાનપુર જિલ્લાના બિરોડા ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ બાદ પથ્થરમારાનો બનાવ પ્રકાશમાં આવ્યો. રવિવારે રાત્રે આ ઘટનામાં બે સમુદાયો આમને-સામને આવી ગયા, જેમાં 7 લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. માહિતી મળતાં જ ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું અને પરિસ્થિતિને કાબુમાં લીધી. આ કેસમાં 7 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
હકીકતમાં, લાલબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના બિરોડા ગામમાં બધી ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ ચંદ્રગ્રહણને કારણે સોમવારે એક મૂર્તિનું વિસર્જન કરવું પડ્યું. આ દરમિયાન, પંડાલની સામે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાઠ સમાપ્ત થતાં જ પથ્થરમારો શરૂૂ થયો, જેના કારણે ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ અને બંને સમુદાયો સામને આવી ગયા. આ ઘટનામાં અડધા ડઝનથી વધુ લોકો ઘાયલ થયા.