શેરબજારમાં તેજી: સેન્સેક્સમાં 883, નિફ્ટીમાં 260 પોઈન્ટનો વધારો
રોકાણકારોની સંપત્તિમાં 4 લાખ કરોડનો વધારો, ઓટોમોબાઈલ અને સોફ્ટવેર શેરોમાં ધુમ ખરીદી
ભારતીય શેરબજારમાં આજે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી સાથે શરૂઆત થઈ છે. સેન્સેક્સમાં આજે 883 પોઈન્ટનો અને નિફ્ટીમાં 260 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. આ સાથે રોકાણકારોની સંપત્તિમાં ચાર લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
મંગળવારે 79,105ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે સવારે 649 પોઈન્ટ ઉછળીને 79,754 પર ખુલ્યો હતો. બાદમાં વધારે તેજીથી સેન્સેક્સમાં મંગળવારના બંધથી 883 પોઈન્ટનો વધારો નોંધાતા સેન્સેક્સ પહેલા સેશનમાં જ 79,988 સુધી પહોંચી ગયો હતો. જ્યારે નિફ્ટીમાં મંગળવારના 24,143ના બંધ સામે આજે 191 પોઈન્ટના વધારા સાથે 24,334 પર ખુલી હતી. બાદમાં વધારે તેજીથી નિફ્ટી 260 પોઈન્ટ ઉછળીને 24,403ના નવા દિવસના હાઈ પર પહોંચી હતી.
આજે એનએસઈમાં વધનારા શેરોમાં વિપ્રો, એપોલો હોસ્પિટલ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા, ટીસીએસ, ટાટા મોટર્સ રહ્યા હતાં. આજે સોફ્ટવેર કંપની અને ઓટોમોબાઈલ સેગ્મેન્ટના શેરો ઉછળ્યા હતાં.
આજે લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એચડીએફસી લાઈફ અને એસબીઆઈ લાઈફના સેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.