શેરબજાર: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 170 પોઈન્ટનો કડાકો
છેલ્લા 10 દિવસથી શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેકસ અને નિફટીમાં મોટો કડાકો બોલી ગયો હતો. અત્યારે સેન્સેકસ 540 પોઈન્ટ અને નિફટી 160 પોઈન્ટ નીચે સરકી ગઈ છે. વિશ્ર્વભરના શેરબજારમાં પણ કડાકા બોલ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ડાઉનજોન્સ પણ ઘટી રહ્યો છે. નાસ્ડેક પણ ભારે ઘટયો છે. અમેરિકી બજારના પગલે ભારતીય શેરબજારમાં પણ વેચવાલીનો જોર જોવા મળી રહ્યો છે.
આજે માર્કેટ ખુલતાની સાથે જ નિફટી આઈ.ટી., નિફટી રિયલ્ટી અને બેંકોના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જેના પગલે ભારતની માર્કેટ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, પાકિસ્તાન, ચીન અને રશિયા દ્વારા અણુ પરિક્ષણ કરવાની વાત કરવામાં આવી રહી છે. જેના પગલે પણ માર્કેટમાં સાવચેતીનો સૂર જોવા મળી રહ્યો છે.
ભારતની કેટલીક દિગ્ગજ કંપનીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ઈન્ફોર્સિસ અને ટીસીએસ જેવી કંપની પણ સામેલ છે. દિવાળી પછી શેરબજારમાં મોટો ઘટાડો નોંધાતા સેન્સેકસ 2000 પોઈન્ટ અને નિફટી 700 પોઈન્ટ તૂટી છે જેના પગલે ઈન્વેસ્ટરોના અબજો રૂપિયા ધોવાયા છે.
સેન્સેકસ અને નિફટી ઉપરાંત બેંક નિફટી પણ 300 પોઈન્ટ નીચે ટ્રેડ થઈ રહી છે. મીડકેપ શેરોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે ત્યારે મીડકેપ નિફટી પણ 380 પોઈન્ટ નીચે સરકી ગઈ છે. આવનારા દિવસોમાં માર્કેટમાં હજુ સાવચેતીનો સૂર જોવા મળે તેવી સંભાવના છે.
બીજી બાજુ સોના-ચાંદીમાં પણ માલુમી વધ ઘટ જોવા મળી છે. સોનુ અત્યાર 4000 ડોલર ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. રાજકોટની માર્કેટમાં સોનાનો ભાવ 1,24,200 જોવા મળ્યો છે. જ્યારે ચાંદીનો હાજર ભાવ 1,52,100 જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે આવનારા બે સપ્તાહ સુધી મેટલ અને ઈકવીટી માર્કેટમાં હજુ પણ સાવચેતીનો સૂર હજુ જોવા મળી શકે છે.