સતત છઠ્ઠા દિવસે શેર બજારમાં હાહાકાર, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સતત છઠ્ઠા દિવસે ટ્રેડિંગ સેશનમાં, સેન્સેક્સ ખુલતાની સાથે જ ક્રેશ થઈ ગયો હતો, જેના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 274.56 પોઈન્ટના ઘટાડા સાથે 76,019.04 પોઈન્ટ પર ખુલ્યો હતો અને 45 મિનિટની અંદર 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તે જ સમયે, નિફ્ટી 78.45 પોઈન્ટ ઘટીને 22,993.35 પોઈન્ટ પર પહોંચી ગયો છે.
સમાચાર લખાય છે ત્યાં સુધી, સવારે 10.04 વાગ્યે, BSEના 30 શેરના સેન્સેક્સમાં લગભગ 800 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે NSE 200 પોઈન્ટની સ્લિપ સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારના ઘટાડામાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડિંગ સપ્તાહની શરૂઆતમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો, ત્યારથી બજાર સતત ઘટ્યું છે.
BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી ઘટીને રૂ. 402.12 લાખ કરોડ થઈ છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 408.52 લાખ કરોડ હતી. આનો અર્થ એ થયો કે આજે માર્કેટ ઓપનિંગ સાથે રોકાણકારોને રૂ. 6.40 લાખ કરોડનું નુકસાન થયું છે.
શેરબજારમાં ઘટાડામાં ટોપ લૂઝરની વાત કરીએ તો, લાર્જ કેપમાં સમાવિષ્ટ M&M શેર (3.50%) ઘટીને રૂ. 2976 પર આવી ગયો હતો, જ્યારે Zomato શેરમાં ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી અને તે 3.41% ઘટીને રૂ. 207 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સિવાય મુકેશ અંબાણીના રિલાયન્સનો શેર 3.18 ટકાના ઘટાડા સાથે 1194 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.
આ સિવાય અદાણી પોર્ટ્સ (2.63%), ઇન્ડસઇન્ડ બેંક (2.48%), પાવરગ્રીડ શેર (2.20%), એક્સિસ બેંક શેર (2.16%) આ કેટેગરીમાં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તે જ સમયે, આઇટીસી, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન, એસબીઆઇ, એનટીપીસી, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.