શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ
ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત રહેતા આજે સતત ત્રીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં નવા ઓલટાઈમ હાઈ નોંધાયા છે. ગઈકાલે સેન્સેક્સમાં 74,151નો નવો હાઈ નોંધાયા બાદ આજે ફરીથી 74245નો નવો હાઈ નોંધાયો છે. જ્યારે નિફ્ટીમાં પણ પહેલી વખત 22,523નો હાઈ નોંધાયો છે.
ગઈકાલે 74,085ના લેવલે બંધ થયેલ સેન્સેક્સ આજે સવારે રેકોર્ડબ્રેક 157 પોઈન્ટ વધીને 74,242 પર ખુલ્યો હતો અને 74,245નો નવો હાઈ નોંધાયો હતો. નિફ્ટીમાં પણ સતત બે દિવસની તેજી યથાવત રહેતા ગઈકાલના 22,472ની સામે નિફ્ટી આજે 31 પોઈન્ટ ઉછળીને 22,505 પર ખુલી હતી એન બાદમાં 48 પોઈન્ટ સુધી વધીને 22,523 સુધી પહોંચી હતી. આજે વધનારા શેરોમાં ટાટા સ્ટીલ, જીન્દાલ સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાટા મોટર્સ અને એશિયનપેઈન્ટ મુખ્ય હતાં.
ગઈકાલે પહેલી વખત સેન્સેક્સ 74 હજારને પાર થયો હતો અને નિફ્ટી 22,400ની ઐતિહાસિક સપાટીને પાર કરી હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિવેદન પછી સોનામાં પણ સતત તેજી જોવા મળી હતી ઉપરાંત ભારતીય શેરબજારમાં હાલ ઓવરબોટ ઝોનમાં છે. ત્યારે ગમે ત્યારે કડાકો બોલશે તેવું પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.