શેરબજાર કન્ફ્યુઝ: સેન્સેક્સમાં 900 અંકની ઊથલપાથલ, સોનું-ચાંદી રેકોર્ડ સ્તરે
કેન્દ્રીય નાણામંત્રી આજે રજૂ કરેલા બજેટના પગલે ભારતીય શેરબજારમાં 900 અંકની ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને શેરબજાર ક્ધફ્યુઝ હોય તેમ વધ-ઘટના અંતે ફ્લેટ થઈ ગયું હતું. જ્યારે સોનાના ભાવમાં સતત ઉછાળો ચાલુ રહ્યો છે. આજે સોનું 10 ગ્રામે 400 રૂપિયા વધીને 85,400ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ અંદાજે રૂા. 1500 ઉછળીને 95,850ના રેકોડબ્રેક ભાવે પહોંચી ગયું હતું.
બજેટ સ્પીચ શરૂ થઈ તે પહેલા બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. પરંતુ જેમ જેમ બજેટ સ્પીચ શરૂ થઈ તેમ તેમ બજાર તુટવા લાગ્યું હતું અને સેન્સેક્સ 500 પોઈન્ટ તથા નિફ્ટી 180 પોઈન્ટ સુધી તુટ્યા હતાં. ત્યાર બાદ બજાર એક તબક્કે બજાર ફ્લેટ થઈ ગયું હતું. નાણામંત્રીએ રૂા. 12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી જાહેર કરાતા બજારમાં અચાનક કરંટ આવ્યો હતો અને ઘટ્યા મથાળેથી સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 315 પોઈન્ટ સુધી વધ્યા હતાં. આ દરમિયાન પણ બજારમાં પાતળી મુવમેન્ટ ચાલુ રહી હતી. બપોરે 3:15 કલાકે સેન્સેક્સ 17 પોઈન્ટ ઘટીને 77,480 અંક તથા નિફ્ટી 37 પોઈન્ટ ઘટીને 23,469 અંકના સ્તરે ટ્રેડ કરતા જોવા મળ્યા હતાં.