શેરબજારમાં બ્લડબાથ, સ્મોલકેપ-મીડકેપ લોહીલુહાણ
- સેબીની તપાસના પગલે સેન્સેક્સમાં 1537, નિફ્ટીમાં 541, સ્મોલકેપમાં 1300 અને મીડકેપમાં 2534 પોઈન્ટનો કડાકો; રોકાણકારોના 12 લાખ કરોડ સ્વાહા
ભારતીય શેરબજારમાં આજે સ્મોલ અને મીડકેપ શેરોમાં તેજીનો પરપોટો ફુટી જતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા પડીગયા છે. આજે બીએસીમાં લિસ્ટેડ તમામ શેરોમાં ધોવાણ થતાં રોકાણકારોની સંપતિમાં રૂા. 12 લાખ કરોડનો ઘટાડો થયો છે. સ્મોલ અને મીડકેપ શેરોમાં રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે સેબી દ્વારા નવીપ્રણાલી મુકવાની જાહેરાતના પગલે આ શેરોમાં જબરો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી સ્મોલકેપમાં ડિસેમ્બર-2022 પછી પહેલી વખત આજે પાંચ ટકાથી વધારાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે મીડકેપમાં પણ 2400 પોઈન્ટથી વધારાનો ઘટાડો નોંધાયો છે. આ બન્ને ઈન્ડેક્સો તુટતા સેન્સેક્સમાં ઉચા મથાળેથી 1537 પોઈન્ટનું ગાબડુ પડી ગયું હતું અને નિફ્ટીમાં ઉંચા મથાળેથી 541 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. આજની વેચવાલીના કારણોમાં સ્મોલ અને મીડકેપ સેગમેન્ટના શેરોમાં સેબી દ્વારા તપાસ, મહાદેવ સટ્ટાબાજી કેસમાં શેરબજારમાં રોકાણ અને મ્યુચલ ફંડ દ્વારા લમ્પસમ્પ મોડમાં સ્મોલ અને મીડકેપમાં રોકાણ પ્રતિબંધ ગણાવાઈ રહ્યા છે.
સેન્સેક્સમાં આજે સવારે તેજી સાથે શરૂ આત થઈ હતી. ગઈકાલે 73667ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 326 પોઈન્ટના વધારા સાથે 73993 પર ખુલ્યો હતો. બાદમાં 74052ના દિવસના હાઈ પર પહોંચ્યો હતો. પરંતુ સ્મોલ અને મીડકેપમાં ધોવાણ ચાલુ થતાં જ સેન્સેક્સ દિવસના હાઈથી 1537 પોઈન્ટ તુટીને 72515ના તળિયે પહોંચી ગયો હતો. નિફ્ટી ગઈકાલના 22335ના બંધ સાથે આજે 22432 પર પહોંચી હતી. અને 22446ના હાઈ સુધી પહોંચી હતી. ભારે વેચવાલીના પગલે આજે નિફ્ટી દિવસના હાઈથી 541 પોઈન્ટ તુટીને 22 હજારનું લેવલ તોડી 21,905 સુધી પહોંચી ગઈ હતી. નિફ્ટી મીડકેપ આજે 48,190 પર ખુલ્યો હતો. પરંતુ ભારે વેચવાલીના પગલે 2534 પોઈન્ટ તુટીને 45,656 સુધી પહોંચી ગયો હતો. નિફ્ટી સ્મોલકેપ આજે 15,113 પર ખુલ્યા બાદ 1300 પોઈન્ટ તુટીને 14213ના તળિયે પહોંચી ગયો હતો.