5000 કરોડની લાંચ કેસના સૂત્રધાર મોન્ટુ પટેલની ધરપકડ સામે સ્ટે
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (પીસીઆઈ) ના વિવાદિત પ્રમુખ મોન્ટુ પટેલને ધરપકડથી રાહત મળી છે. દિલ્હીની કોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ને 23 જુલાઈના રોજ યોજાનારી આગામી સુનાવણી સુધી તેમની ધરપકડ ન કરવાનો નિર્દેશ આપ્યો છે. આ મોન્ટુ પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન અરજીની સુનવણી બાદ કોર્ટે હુકમ કર્યો હતો.
જોકે, સીબીઆઈએ આ આગોતરા અરજીનો વિરોધ કર્યો હતો, અને દલીલ કરી હતી કે મોન્ટુ પટેલ સામેના આરોપો અત્યંત ગંભીર છે. એજન્સીએ દાવો કર્યો હતો કે આ કેસમાં 5,000 કરોડ રૂૂપિયાની લાંચ લેવાનો આરોપ છે અને મોન્ટુ પટેલ પર તેમના ઠેકાણા છુપાવીને કાનૂની કાર્યવાહીથી બચવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં તેનું નવી દિલ્હીનું સરનામું પણ સામેલ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોન્ટુ પટેલે તેની પત્ની અને સગીર પુત્રીઓ સાથે મકાન ખાલી કરી દીધું હતું. મોન્ટુ પટેલના વકીલે આ દાવાઓનો વિરોધ કરી દલીલ કરી હતી કે તેમણે અગાઉ બે વખત તપાસમાં સહકાર આપ્યો હતો અને કાઉન્સિલની આંતરિક હરીફાઈને કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. આ મામલાની સુનાવણી હવે 23 જુલાઈએ થશે.