હંગામાથી શરૂ, હંગામાથી પુરું: ચોમાસું-સત્રમાં વગર ચર્ચાએ ખરડા પસાર
ધમાચકડીમાં પ્રશ્ર્નોત્તરીનો સમય પણ બરબાદ: લોકસભામાં 419 પ્રશ્ર્નોમાંથી 55નો મૌખિક જવાબ આપી શકાયો: નિયત 120 કલાકના બદલે 37 કલાકની ચર્ચા થઇ: 12 ખરડા પસાર થયા
ચોમાસુ સત્રના છેલ્લા દિવસે પણ સંસદમાં હંગામો ચાલુ રહ્યો. આજે વર્તમાન સંસદ સત્રનો છેલ્લો દિવસ હતો, જોકે, હંગામાને કારણે સત્રના છેલ્લા દિવસે પણ લોકસભા અને રાજ્યસભા બંનેની કાર્યવાહી ખોરવાઈ ગઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં હાજર હતા, પરંતુ વિપક્ષનો ઘોંઘાટ ચાલુ રહ્યો. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિપક્ષને શાંત કરવાનો પ્રયાસ કરતા રહ્યા.
પરંતુ વિપક્ષનો ઘોંઘાટ બંધ ન થતો જોઈને, લોકસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી. તે જ સમયે, રાજ્યસભામાં હંગામો ચાલુ રહ્યો, ત્યારબાદ ઉપાધ્યક્ષે ગૃહને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધું. બંને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી નહીં. ગુરુવારે રાજ્યસભા અને લોકસભા બંનેમાં પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી.
જોકે, વર્તમાન સત્રના મોટાભાગના કાર્યકારી દિવસોમાં, પ્રશ્નકાળ હંગામાનો શિકાર બન્યો અને સત્રના છેલ્લા દિવસે પણ ગૃહમાં આવી જ સ્થિતિ રહી. વાસ્તવમાં, વિપક્ષ મતદાર યાદી પર સંસદમાં ચર્ચા ઇચ્છે છે, ખાસ કરીને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહેલી મતદાર યાદીની ઊંડાણપૂર્વક સમીક્ષા. પરંતુ તેને અધ્યક્ષ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.
રાજ્યસભાના ઉપાધ્યક્ષ કહે છે કે કોર્ટમાં પેન્ડિંગ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવાની મંજૂરી નથી. ગુરુવારે રાજ્યસભામાં પણ આવી જ હોબાળો જોવા મળ્યો. રાજ્યસભામાં ગૃહની કાર્યવાહી શરૂૂ થયાના થોડા સમય પછી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી.
સંસદના ગૃહ મોકુફી પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજકીય પક્ષોને તેમના વર્તન પર નિયંત્રણ રાખવા હાકલ કરી. બિરલાએ કહ્યું કે સંસદની અંદર અને બહાર સાંસદોની ભાષા ગૌરવપૂર્ણ હોવી જોઈએ. લોકસભા અધ્યક્ષે સાંસદોને ઠપકો આપ્યો અને કહ્યું કે ગૃહમાં વિપક્ષનું વર્તન લોકશાહીના મૂલ્યો અનુસાર નથી. આ સંસદની ગરિમા અનુસાર નથી. દેશના લોકો જોઈ રહ્યા છે કે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કેવી રીતે ખોરવાઈ રહી છે.
તેમણે જણાવ્યું કે આ સત્રમાં 419 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત 55 પ્રશ્નોના મૌખિક જવાબ આપી શકાયા હતા. સમગ્ર સત્ર દરમિયાન ચર્ચા માટેનો સમય 120 કલાક નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ફક્ત 37 કલાકની ચર્ચા થઈ શકી. લોકસભામાં 12 બિલ પસાર થયા.
સંસદના બન્ને ગૃહોમાં પસાર થયેલા ખરડાની યાદી
લોકસભા
ગોવાના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2025
મર્ચન્ટ શિપિંગ બિલ, 2025
મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સુધારા) બિલ, 2025
મણિપુર એપ્રોપ્રિએશન (નં. 2) બિલ, 2025
રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, 2025
રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025
આવક-કર બિલ, 2025
કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025
ભારતીય બંદરો બિલ, 2025
ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025
ભારતીય વ્યવસ્થાપન સંસ્થાઓ (સુધારા) બિલ, 2025
ઓનલાઇન ગેમિંગનું પ્રમોશન અને નિયમન બિલ, 2025
રાજ્યસભા
લેડિંગ બિલ, 2025
સમુદ્ર દ્વારા માલનું વહન બિલ, 2025 કોસ્ટલ શિપિંગ બિલ, 2025
મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (સુધારા) બિલ, 2025
મણિપુર એપ્રોપ્રિએશન (નંબર 2) બિલ, 2025 મર્ચન્ટ શિપિંગ બિલ, 2025
ગોવાના વિધાનસભા મતવિસ્તારોમાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વનું પુનર્ગઠન બિલ, 2025
રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, 2025
રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) બિલ, 2025
આવક-કર બિલ, 2025 કરવેરા કાયદા (સુધારા) બિલ, 2025
ભારતીય બંદરો બિલ, 2025
ખાણ અને ખનિજો (વિકાસ અને નિયમન) સુધારા બિલ, 2025
ભારતીય મેનેજમેન્ટ સંસ્થાઓ (સુધારા) બિલ, 2025 ઓનલાઇન ગેમિંગ બિલ 2025