ગોવામાં શિરગાંવ મંદિરની જાત્રા દરમિયાન નાસભાગ, 7 લોકોના મોત, 40થી વધુ ઘાયલ
અંગારા પર ચાલવાની પરંપરા દરમિયાન અફરાતફરી મચી, 1000 પોલીસકમીર્ર્ના બંદોબસ્ત સામે લાખોની ભીડ ઊમટી પડી હતી
ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લૈરાઈ ‘જાત્રા’ દરમિયાન શુક્રવારે (02 મે, 2025) રાત્રે એક દુર્ધટના સર્જાઇ,અહીંના લરાઈ મંદિરમાં ભાગદોડમાં 7 લોકોના મોત થયા હતા, જ્યારે 30 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે અચાનક મોટી ભીડમાં ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નાસભાગ દરમિયાન પરિસ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ હતી અને લોકો એકબીજા પર પડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ હજુ સુધી નાસભાગ પાછળના કારણની સત્તાવાર પુષ્ટિ કરી નથી પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે આ અકસ્માત ભીડભાડ અને યોગ્ય વ્યવસ્થાના અભાવે થયો હતો. ઘટના સંબંધિત વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ પ્રસંગે ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ઘાયલોની હાલત જાણવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
શુક્રવારે શરૂૂ થયેલી શ્રી દેવી લૈરાઈ યાત્રા દરમિયાન આ નાસભાગ મચી ગઈ હતી. જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો. યાત્રા માટે લગભગ 1,000 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર સંપૂર્ણપણે સતર્ક હતું. ભીડની ગતિવિધિઓનું હવાઈ નિરીક્ષણ કરવા માટે ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલા શુક્રવારે મુખ્યમંત્રી સાવંત, તેમના પત્ની સુલક્ષણા, રાજ્યસભાના સાંસદ સદાનંદ શેટ તનાવડે અને ધારાસભ્યો પ્રેમેન્દ્ર શેટ અને કાર્લોસ ફરેરાએ સ્થળની મુલાકાત લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ, મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો.