સોરોસ સાથે સોનિયાનું કનેક્શન: સંસદમાં હંગામો
જ્યોર્જ સોરોસના ફાઉન્ડેશન સાથે સોનિયા ગાંધીના જોડાણના આરોપને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ પછી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. રાજ્યસભામાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ભાજપના સાંસદોએ ગૃહમાં આ મામલાની ચર્ચાનો આગ્રહ રાખ્યો હતો, પણ ઉપસભાપતિ જગદીશ ધનખદે નિયમોનો હવાલો આપી આ માગ ફગાવી હતી, ભાજપ અધ્યક્ષ અને રાજ્યસભા પણના નેતા જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વિદેશી સત્તાઓની ટુલકિટ બની છે.
ભાજપે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પર એશિયા પેસિફિકના ફોરમ ઓફ ડેમોક્રેટિક લીડર્સ (ઋઉક-અઙ) સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે આ સંસ્થાને હંગેરિયનમાં જન્મેલા અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ પાસેથી પૈસા મળે છે. આ સંગઠન અલગ કાશ્મીરની વકીલાત કરતું આવ્યું છે. સોનિયા ગાંધી પરના આ આરોપોને લઈને સોમવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો. ભાજપના આરોપોને પાયાવિહોણા ગણાવતા કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ પછી લોકસભા સ્થગિત કરવી પડી હતી.
જ્યારે ગૃહ સવારે 11 વાગે એકત્ર થયું, સ્પીકર ઓમ બિરલા અધ્યક્ષ સ્થાને આવતાની સાથે જ વિપક્ષી સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થઈ ગયા અને કેટલાક મુદ્દા ઉઠાવવાનું શરૂૂ કર્યું, જે સ્પષ્ટ રીતે સાંભળવામાં આવ્યું ન હતું. આના પર શ્રી બિરલાએ પૂછ્યું કે શું તેઓ ગૃહને કામ કરવા દેવા માંગતા નથી. તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન કોઈ વિષય ઉઠાવવામાં આવતો નથી.
સ્પીકરે કહ્યું કે પ્રશ્નકાળ સૌથી મહત્વપૂર્ણ સમય છે. દેશ ઇચ્છે છે કે ગૃહની કાર્યવાહી ચાલુ રહે. તમે ગૃહમાં મડાગાંઠ સર્જી રહ્યા છો. તેમણે ફરી કહ્યું કે તમે ગૃહ ચલાવવા નથી માંગતા. તેના પર વિપક્ષી સભ્યો કંઈક બોલવા લાગ્યા. જે બાદ બિરલાએ તરત જ ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. એ પછી પણ હંગામો ચાલુ રહેતા ગૃહથી કાર્યવાહી ફરી સ્થગિત કરાઇ હતી.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે જો કોઈ દેશ વિરોધી તત્વો સાથે મળીને કામ કરે છે તો તેનો વિરોધ કરવા તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ. ભલે તે પોતાના પક્ષના જ વ્યક્તિ હોય. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે જો તેમની પાર્ટીમાંથી કોઈ પણ ભારત વિરોધી સંગઠન સાથે સંકળાયેલું છે, તો તેમણે તેની સામે પણ અવાજ ઉઠાવવો જોઈએ.
તેમણે કહ્યું કે સરકારે અગાઉ કોંગ્રેસને કહ્યું હતું કે 13 અને 14 ડિસેમ્બરે લોકસભામાં અને 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભાજપે રવિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે કાશ્મીરને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ધ્યાનમાં લેવાનો વિચાર ધરાવતા સંગઠન અને સોનિયા ગાંધી વચ્ચે જોડાણ છે. આ દર્શાવે છે કે વિદેશી સંસ્થાઓ ભારતની આંતરિક બાબતોને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે. બીજેપી અનુસાર, સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશનની જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે ભાગીદારી હતી.
ભાજપે એમ પણ કહ્યું હતું કે જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ તપાસ પત્રકારોએ અદાણી પરના હુમલા અંગે રાહુલ ગાંધીના ભાષણોનું પ્રસારણ કર્યું હતું. રાહુલ ગાંધી પણ તેનો ઉપયોગ પોતાના સ્ત્રોત તરીકે કરી રહ્યા છે. તે ઈચ્છે છે કે દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જાય. ભાજપે એમ પણ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂૂરે પણ જ્યોર્જ સોરોસને પોતાના મિત્ર કહ્યા છે.