સરદાર પટેલ-ઇન્દિરા ગાંધીને શ્રધ્ધાંજલિ પાઠવતા સોનિયા, રાહુલ અને મલ્લિકાર્જુન ખડગે
જેરામ રમેશે 1977ની બિહારની ઘટનાના સ્મરણો વાગોળ્યા
કોંગ્રેસ પાર્ટીએ પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ અને દેશના પ્રથમ ગૃહપ્રધાન લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના યોગદાનને યાદ કર્યું હતું. કોંગ્રેસ સાંસદ દળની અધ્યક્ષા સોનિયા ગાંધી, પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી શક્તિસ્થળ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈન્દિરા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં જણાવ્યું કે, તેઓ દેશવાસીઓના હૃદયમાં વસે છે અને તેમના વિચારો કોંગ્રેસની વિચારધારાનો અટૂટ હિસ્સો છે. ઈન્દિરા ગાંધીને યાદ કરતાં ખડગેએ એક્સ પર પોસ્ટમાં લખ્યું ભારતની એકતા અને અખંડિતતાને અક્ષૂણ રાખવા માટે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ, કુશળ નેતૃત્વ અને દૂરદર્શિતાથી અવિસ્મરણીય યોગદાન આપનાર, ભારતની પ્રથમ મહિલા વડા પ્રધાન અને અમારા આદર્શ ઈન્દિરા ગાંધીજીના બલિદાન દિવસ પર હું તેમને નમ્ર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.
કોંગ્રેસ મહાસચિવ જૈરામ રમેશે ઈન્દિરા ગાંધીની 41મી પુણ્યતિથિ નિમિત્તે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, ઈન્દિરા ગાંધી અદમ્ય ધૈર્ય, સાહસ અને દૃઢસંકલ્પ ધરાવતી અદભૂત વ્યક્તિ હતી. તેમણે યાદ કર્યું કે, 13 ઑગસ્ટ 1977ના વરસાદી દિવસે તેમણે કાર, જીપ, ટ્રેક્ટર અને અંતે હાથી પર સવાર થઈને બિહારના દૂરના ગામ બેલછી સુધીની યાત્રા કરી હતી, જ્યાં જાતિ આધારિત અત્યાચારથી પીડિત પરિવારોને મળવા ગઈ હતી. આ માનવીય સંપર્કે તેમના રાજકીય પુનરુદયનો માર્ગ ખોલ્યો હતો. રમેશે ઉમેર્યું કે, આ યાત્રાના બીજા જ દિવસે તેમણે પટણામાં પોતાના સૌથી કટુ રાજકીય વિમુખ જયપ્રકાશ નારાયણ સાથે મુલાકાત કરી હતી, જ્યાં બંનેએ વર્ષો જૂના સંબંધો અને સંવાદને ફરી યાદ કર્યા હતા.
