સોનિયા ગાંધીએ પાછલા બારણાના બદલે ચૂંટણી લડી સંસદમાં જવું જોઇતું હતું
દેશમાં હમણાં રાજ્યસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. રાજ્યસભાની 56 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે તેથી ભાજપ અને કોંગ્રેસ સહિતના મોટા ભાગના પક્ષો ઉમેદવારો જાહેર કરવા ને ફોર્મ ભરાવવામાં પડેલા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો મતદાન કરતા હોય છે ને મોટા ભાગનાં રાજ્યોમાં વિધાનસભાનાં સમીકરણો પહેલેથી ગોઠવાયેલાં હોય છે તેથી કંઈ બેઠક પર કોણ જીતશે એ લગભગ નક્કી હોય છે ને ભાગ્યે જ કોઈ ચૂંટણીમાં રસાકસી જામતી હોય છે. વરસો પહેલાં ગુજરાતમાં અહમદ પટેલ સામે ભાજપે બળવંતસિંહ રાજપૂતને ઊભા રાખી દીધેલા ત્યારે એવી રસાકસી જામેલી ને ક્રિકેટની મેચ હોય એવો રોમાંચ ઊભો થયેલો. એ પછી એવી રોમાંચકતા જોવા મળી નથી. આ વખતની ચૂંટણીમાં પણ એવી રોમાંચકતા એકાદ બે બેઠકને બાદ કરતાં ક્યાંય જોવા મળે એવી શક્યતા નથી કેમ કે બધા પક્ષોએ પોતે જીતી શકે એ રીતે જ ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ઉમેદવારોમાં સૌથી નોંધપાત્ર કોઈ નામ હોય તો એ સોનિયા ગાંધીનું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અત્યારે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠકનાં સાંસદ છે. યુપીમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું છે ને 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ ગણાતા અમેઠીમાંથી રાહુલ ગાંધી સુધ્ધાં હારી ગયેલા પણ સોનિયા ગાંધીએ રાયબરેલીનો ગઢ જાળવી રાખેલો. હવે સોનિયા ગાંધીએ રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવતાં રાયબરેલી લોકસભા બેઠક પરથી સોનિયા ગાંધી નહીં ઊભાં રહે એ નક્કી થઈ ગયું છે. સોનિયાએ ખાલી કરેલી બેઠક પરથી કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે એ ખબર નથી પણ પ્રિયંકા ગાંધીનું નામ બોલાઈ રહ્યું છે. પ્રિયંકા ગાંધી અત્યાર લગી કોઈ ચૂંટણી લડ્યાં નથી પણ આ વખતે કદાચ લડી શકે. પ્રિયંકા રાયબરેલીમાંથી લડે તો એ મોટી ઘટના હશે. સોનિયા ગાંધીનો રેકોર્ડ એ રીતે જોઈએ તો એક લોકપ્રિય નેતા તરીકેનો છે જ્યારે રાજ્યસભામાં તો મોટા ભાગે એવા નેતા જતા હોય છે કે જેમનો જનાધાર ના હોય ને ચૂંટણી જીતવાની જેમનામાં તાકાત ના હોય. કોંગ્રેસમાંથી તો એવા જ નેતા રાજ્યસભામાં જાય છે કે જેમને કોઈ પૂછતું નથી અને જે ચૂંટણી જીતી શકે તેમ નથી. સોનિયા એ કેટેગરીનાં નેતા નથી તેથી તેમણે રાજ્યસભામાં જવાનું ટાળવું જોઈતું હતું.