પુત્ર શહીદ થયો, વહુ સહાય સહિત બધું લઇને જતી રહી: માતા-પિતાનો વલોપાત
શહીદ કેપ્ટન અંશુમાનના પરિવારનો માળો પીંખાયો
2023માં સિયાચીનમાં આગમાં સાથીઓને બચાવવા જતાં શહીદ થયેલા ભારતીય સેનાના શહીદ કેપ્ટન અંશુમાન સિંહના માતાપિતાએ વહુ સ્મૃતિ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અંશુમાન સિંહના પિતા રવિ પ્રતાપ સિંહે કહ્યું કે મારો પુત્ર શહીદ થયો પરંતુ અમને કંઈ મળ્યું નથી. વહુ બધું લઈને જતી રહી છે. તેમણે કહ્યું છે કે તેમનો દીકરો પણ ગયો છે અને વહુ પણ ગઈ અને ઈજ્જત પણ ગઈ છે.
અંશુમાન સિંહના પિતાએ કહ્યું કે વહુ સ્મૃતિએ ઘર પણ છોડી દીધું છે અને બીજે રહેવા ચાલી ગઈ છે. કીર્તિ ચક્ર પ્રાપ્ત કરતી વખતે મારી પત્ની મંજુ દેવી (અંશુમાન સિંહની માતા) તેની સાથે હતી, પરંતુ તે કીર્તિ ચક્ર પણ અમારા પરિવારમાં નથી. અમે તેને મારા પુત્રના બોક્સ પર પણ મૂકી શકતા નથી. કેપ્ટનની માતાએ જણાવ્યું કે તેમની પુત્રવધૂએ નોઈડાના ઘરમાંથી તેમનો બધો સામાન પેક કર્યો અને પિતાની સાથે લઈ ગઈ. જ્યારે અમારી દીકરી નોઈડા ગઈ ત્યારે તેને ખબર પડી કે સ્મૃતિ તેનો બધો સામાન પેક કરીને અહીંથી પણ નીકળી ગઈ છે. કેપ્ટન પિતાએ કહ્યું, મારો દીકરો તેને પ્રેમ કરતો હતો પરંતુ તેણે પ્રેમની વ્યાખ્યાને તોડી નાખી. હવે અમારી પાસે કશું બચ્યું નથી.
શહીદના પિતાએ જણાવ્યું કે વહુને સરકાર દ્વારા આપવામાં આવતા વળતરનો મોટો હિસ્સો મળ્યો છે જ્યારે અમને થોડોક. વહુને 35 લાખ રુપિયા સહિત બીજી અનેક સહાય મળી છે જ્યારે અમને 15 લાખ રુપિયા અપાયાં હતા. સ્મૃતિ હવે અમને પરિવારનો ભાગ પણ માનતી ન હતી.
ઉલ્લેખીય છે કે રાહુલ ગાંધી મંગળવારે કીર્તિ ચક્ર પુરસ્કાર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહની માતાને મળ્યા હતા. સિંહની માતાએ પાછળથી અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો હતો અને સરકારને આર્મીને બે કેટેગરીમાં વિભાજિત ન કરવા વિનંતી કરી હતી. શહીદ કેપ્ટનની માતાએ આ અપીલ એવા સમયે કરી છે જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અગ્નિપથ યોજના પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે.