અતુલ આત્મહત્યા કેસમાંથી સમાજ, ન્યાયતંત્ર અને પ્રશાસન ધડો લઈ જરૂરી સુધારા કરે
હમણાં બેંગલુરૂૂના આઈટી પ્રોફેશનલ અતુલ સુભાષના મૃત્યુની ચર્ચા આખા દેશમાં ચાલી રહી છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતાં પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને પોતાની પત્ની અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અતુલ સુભાષે કહ્યું કે, મારા પરિવારને મારાં સાસરિયાં દ્વારા ખૂબ પરેશાન કરવામાં આવ્યા છે અને તેથી જ હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું.
અતુલે 40 પાનાંની સ્યૂસાઈડ નોટ પણ લખી છે કે જેમાં તેની પત્ની નિકિતા સિંઘાનિયા અને સાસરિયાંએ કઈ રીતે તેને દહેજ વિરોધી કાયદાના કેસમાં ફસાવીને માનસિક રીતે ત્રસ્ત કરી દીધો હતો તેની વિગતો આપી છે. દહેજ ઉત્પીડનનો ખોટો કેસ કરીને સાસરિયાંએ તેને આપઘાત કરવા પ્રેર્યો એવું અતુલે લખ્યું છે. તેના કારણે આઈપીસીની કલમ 498એના દુરુપયોગનો મુદ્દો પણ ચર્ચામાં છે. આ કલમનો ઉપયોગ પતિ તથા સાસરિયાંને પરેશાન કરવા કરાય છે એ પ્રકારના અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યા છે અને કલમને નાબૂદ કરવાની તરફેણ પણ કરાઈ રહી છે.
સુપ્રીમ કોર્ટે પણ કલમ 498એનો દુરુપયોગ થતો હોવાની વાત સ્વીકારી છે. બે દિવસ પહેલાં જ એક કેસમાં કલમ 498એ હેઠળ નોંધાયેલી એફઆઈઆરને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ સ્વીકાર્યું કે, આ કલમનો દુરુપયોગ થાય છે. બંને માનનીય જજે એ વાત પર ભાર મૂક્યો છે કે, દહેજ ઉત્પડનની કલમ પોલીસ તંત્રે અંતિમ ઉપાય તરીકે લગાવવી જોઈએ. સુપ્રીમ કોર્ટે તો કાયદા પંચ અને કાયદા મંત્રાલયે આ જોગવાઈ પર પુનર્વિચાર કરવો જોઈએ એવું પણ કહ્યું છે.
આ ચોક્કસપણે ગંભીર સ્થિતિ કહેવાય પણ તેના કારણે કાયદો નકામો ના થઈ જાય. ખરેખર દહેજ ઉત્પીડન થયું છે કે નહીં તેની ચકાસણી ન્યાયી રીતે થાય તો ખોટા કેસ ના થાય પણ એ શક્ય નથી એ જોતાં આ પ્રકારના કેસો થયા કરશે ને અતુલ જેવા નિર્દોષોનો ભોગ લેવાતો રહેશે.