જયપુરમાં હાઇટેન્શન લાઇનની ઝપેટમાં આવતાં સ્લીપર બસમાં લાગી આગ, 3ના મોત
રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં ભયાનક આગ લાગી હતી. ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ બાદ બસમાં ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના દુઃખદ મોત થયા હતા, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. બસમાં કુલ 65 લોકો સવાર હતા. બસમાં આઠ સિલિન્ડર, ત્રણ બાઇક અને આઠ સાયકલ પણ હતી. આગ લાગતાં ગેસ સિલિન્ડર ફાટ્યા, જેનાથી આગ વધુ વિકરાળ બની હતી.
બસમાં સવાર તમામ મુસાફરો ઇંટના ભઠ્ઠામાં કામ કરવા જઈ રહ્યા હતા. હાઇ-ટેન્શન વાયર સાથે અથડાયા બાદ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આગમાં લપેટાઈ ગયા હતા. આ અકસ્માત જયપુરના મનોહરપુરમાં થયો હતો. ઘટના બાદ સ્થળ પર ચીસાચીસ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગમાં લપેટાઈ જવાથી 3 મુસાફરોના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ, મનોહરપુર પોલીસ સ્ટેશનની ટીમ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને શાહપુરા ઉપજિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા. ત્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ, ગંભીર રીતે દાઝી ગયેલા 5 મજૂરોને જયપુર રેફર કરવામાં આવ્યા છે. દરમિયાન, માહિતી મળતાની સાથે જ પહોંચેલી ફાયર બ્રિગેડની સહાયતાથી આગ પર કાબૂ મેળવાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મૂકાવીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
