રીલ બનાવવાની લ્હાયમાં યમુના નદીમાં એક જ પરિવારની છ બહેનો ડૂબી ગઇ
આગરાના સિકંદરા વિસ્તારમાં આવેલા નાગલા નાથુ ગામમાં યમુના નદી કિનારે રીલ બનાવતી વખતે છ છોકરીઓ ડૂબી ગઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ડૂબનાર પૈકી ત્રણ એક જ પરિવારના હતા, જ્યારે બાકીના ત્રણ તેમના સંબંધીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. 6 બહેનોના મૃત્યુની દુ:ખદ ઘટનાએ આખા ગામને હચમચાવી નાખ્યું છે.
યમુનામાં નદીમાં સ્નાન કરતા પહેલા છોકરીઓએ પોતાના મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો, જે જીવનનો અંતિમ વીડિયો સાબિત થયો છે.
ડૂબી જવાથી મૃત્યુ પામેલી છોકરીઓની ઉંમર 12 - 15 વર્ષની વચ્ચે હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બધા ઉનાળાની રજાઓમાં ગામની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ છોકરીઓ સવારે યમુના નદી કિનારે નહાવા ગઈ હતી. સ્નાન કરતી વખતે, તે નદીની વચ્ચે પહોંચી જતા વમળમાં ફસાઈ ગઈ હતી. કિનારે હાજર અન્ય બાળકોએ તરત જ ગ્રામજનોને જાણ કરી કે છોકરીઓ નદીમાં ડૂબી રહી છે. તે બાદ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
ઘટના બાદ તુરંત દોડી ગયેલા સ્થાનિક ડાઇવર્સે નદીમાં શોધખોળ શરૂૂ કરી હતી. પરંતુ છોકરીઓને બચાવવામાં મોડું થઇ ગયું હતું. જાણ થતા જ સિકંદરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. રેસ્ક્યૂ માટે નાવડીઅને ડાઇવર્સને બોલાવવામાં આવ્યા હતા. લગભગ એક કલાકની મહેનત પછી બધી છોકરીઓને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ચાર છોકરીઓના મૃત્યુ થઇ ચૂક્યા હતા. જ્યારે બે કિશોરીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ અકસ્માત બાદ નાગલા નાથુ અને આસપાસના ગામોમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. યમુના ઘાટ પર લોકોની ભીડ એકઠી થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. પરિવારની આંખના આંસુ સુકાવવાનું નામ નથી લઇ રહ્યા. સ્થાનિકોનું કહેવું છે કે, યુવતિઓ જ્યાં નાહવા ગઇ હતી, ત્યાં કોઇ ઘાટ ન્હતો.