નવી મુંબઇમાં આગના બે બનાવમાં છ લોકોનાં મૃત્યુ
આખો દેશ જ્યારે દિવાળીના દીવડાઓ અને રોશનીથી ઝગમગી રહ્યો હતો, ત્યારે નવી મુંબઈના વાશી વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો. સોમવારે મોડી રાત્રે વાશી સેક્ટર-14માં આવેલી રહેજા રેસીડેન્સી નામની હાઈ-રાઈઝ સોસાયટીમાં ભીષણ આગ ફાટી નીકળતાં 6 વર્ષની બાળકી સહિત ઓછામાં ઓછા ચાર લોકોના દર્દનાક મોત થયા છે. આ ઘટનામાં અન્ય 7 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી મુજબ, આગ બિલ્ડિંગના 10મા, 11મા અને 12મા માળે લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં ઉપરના માળને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, ફાયર બ્રિગેડના અધિકારીઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે દિવાળીના તહેવારને કારણે કોઈ ફટાકડાનું રોકેટ બાલ્કનીમાં પડવાથી તો આગ નથી લાગી ને. મૃતકોમાં 12મા માળે રહેતી એક 6 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
બીજા બનાવમાં નવી મુંબઈના કામોથે વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. કામોથેમાં એક સોસાયટીમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા. બિલ્ડિંગમાં બધા લોકો ભાગી ગયા, પરંતુ આગને કારણે બે લોકો બચી શક્યા નહીં. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ, આગને કાબુમાં લીધી અને રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
સેક્ટર 36 માં આવેલી અંબે શ્રદ્ધા સહકારી સોસાયટીમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને કારણે ભીષણ આગમાં એક માતા અને પુત્રીનું મોત નીપજ્યું. પ્રાથમિક માહિતી અનુસાર, સોસાયટીના ત્રીજા માળે રૂૂમ નંબર 301 માં બે ગેસ સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. ભીષણ આગને કારણે ઘરમાં હાજર પરિવારની માતા અને પુત્રીને બહાર નીકળવાની તક મળી ન હતી અને તેઓ અંદર ફસાઈ ગયા હતા. દરમિયાન, સોમવારે મુંબઈના કફ પરેડમાં લાગેલી આગમાં એક બાળકનું મોત નીપજ્યું હતું.
