છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદી ઠાર
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નેશનલ પાર્ક વિસ્તારમાં આજે સવારથી સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સામસામે ગોળીબારની ઘટનામાં બની છે. આ અથડામણમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે અને અત્યાર સુધીમાં 6 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. ઘટનાસ્થળેથી ઓટોમેટિક હથિયારો, ઈન્સાસ રાઈફલ, સ્ટેનગન, 303 રાઈફલ અને વિસ્ફોટક સામગ્રી સહિત માઓવાદીઓનો મોટો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
માઓવાદીઓની હાજરીની ગુપ્ત માહિતીના આધારે, ડીઆરજી બીજાપુર, ડીઆરજી દંતેવાડા અને એસટીએફની સંયુક્ત ટીમે આજે સવારે સર્ચ ઓપરેશન શરૂૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન નેશનલ પાર્ક વિસ્તારમાં માઓવાદીઓ સાથે અથડામણ થઈ, જે સવારથી ચાલુ છે. પોલીસ અધિક્ષક ડો,જિતેન્દ્ર યાદવે છ માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યાની પુષ્ટિ કરી છે.
દરમિયાન, બીજાપુર જિલ્લાના તારલાગુડ વિસ્તારના અન્નારામના ગાઢ જંગલોમાં પણ સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે બીજી એક અથડામણ થઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાબળોએ ઘટના સ્થળેથી એક ઘાયલ માઓવાદીને પકડી પાડ્યો છે. પકડાયેલા માઓવાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.