સંસદમાં બીજા દી’એ પણ SIR હાવી, ધમાલથી કાર્યવાહી મુલત્વી
સંસદ સંકુલમાં પણ કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓના પ્રદર્શન: મતદાર યાદી સુધારણા હેઠળ વોટચોરીનો આક્ષેપ કરતા પ્રિયંકા ગાંધી
સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે લોકસભાની કાર્યવાહી ધોવાઈ ગઈ હતી, બીજા દિવસે પણ વિપક્ષ મતદાર યાદીઓના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચા કરવાની માંગ પર અડગ રહ્યો હતો. આજે લોકસભાનું કામકાજ શરૂ થયું એ પહેલા જ કોંગ્રેસ સાંસદોએ સરની ચર્ચા કરવા સ્થગન પ્રસ્તાવ રજુ કર્યા હતા. પરંતુ અધ્યક્ષે તે નકારી કાઢયા હતા. વિપક્ષના હોબાળાના કારણે લોકસભાની કાર્યવાહી વારંવાર મુલત્ત્વી રખાયા બાદ કાલ સુધી સ્થગિત કરાઇ હતા. જોકે સરકારનું વલણ કુણું પડી રહ્યા હોવાનો સંકેત આપતા સંસદીય બાબતોના પ્રધાન કિરન રિજિજુએ પુનરોચ્ચાર કર્યો કે સરકાર SIR અથવા ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવાનો વિરોધ કરતી નથી, પરંતુ કહ્યું કે વિપક્ષે સમયરેખા નક્કી કરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. દિવસ દરમિયાન, વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓએ ચર્ચાના ફોર્મેટને અંતિમ સ્વરૂૂપ આપવા માટે સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રૂૂમમાં ચર્ચા સહિત અનેક રાઉન્ડની ચર્ચા કરી.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુના નિવેદન, વિપક્ષ ગૃહને સ્થગિત કરવા માટે બહાના શોધે છે, અંગે કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું, જો તમે અસમર્થ છો, તો અમે શું કરી શકીએ? જો તમને ગૃહ કેવી રીતે ચલાવવું તે ખબર નથી, તો અમે શું કરી શકીએ? શું આપણે આ મુદ્દો પણ ન ઉઠાવવો જોઈએ?
આપણે સાંસદ છીએ, અને લોકોનો અવાજ ઉઠાવવાની આપણી ફરજ છે.
આ મામલે હોબાળો થતાં સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગીત કરવામાં આવી હતી. દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા સરકાર અને ચુંટણી પંચ પર મતદાર યાદી સુધારણાના નામે વોટચોરીનો આરોપ લગાવી જણાવ્યું હતું કે ચુંટણી પંચ જવાબ દેતું નથી, જયારે સરકાર બચાવ કરે છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના ભૂતપૂર્વ વડાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી નેતાઓએ મંગળવારે સંસદ ભવનમાં SIR વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને ચૂંટણી સુધારા પર ચર્ચાની માંગણી કરી.
નેતાઓએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ પોસ્ટરો અને પ્લેકાર્ડ પકડ્યા હતા. તેમની પાસે એક વિશાળ બેનર પણ હતું જેના પર ‘STOP SIR-STOP Vote Chori’ લખેલું હતું અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.