સિંગર વિશાલ દદલાણીને અકસ્માત, શો મુલત્વી
મ્યુઝીશિયન-સિંગર વિશાલ દદલાણી તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બન્યો છે. ઈજાને કારણે તેણે પોતાનો શો પણ મુલતવી રાખવો પડ્યો. આ શો 2 માર્ચે થવાનો હતો. આ કોન્સર્ટમાં શેખર રવજિયાણી પણ તેની સાથે પરફોર્મ કરવાનો હતો. વિશાલે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ફેન્સને આ અંગે માહિતી આપી હતી. જોકે, તેણે પોતાની ઈજા વિશે કોઈ ચોક્કસ વિગતો નહતી આપી. તેણે લખ્યું, મારો એક નાનો અકસ્માત થયો હતો. હું ટૂંક સમયમાં પાછો આવીશ. હું તમને બધાને અપડેટ આપતો રહીશ.
કોન્સર્ટનું આયોજન કરી રહેલી જસ્ટ અર્બન કંપનીએ પણ પરિસ્થિતિનો જવાબ આપ્યો છે. તેમણે માહિતી આપી કે વિશાલ દદલાણીની સારવાર ચાલી રહી છે અને તે અકસ્માતમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઉપરાંત, આયોજકોએ ખાતરી આપી હતી કે કોન્સર્ટ ટૂંક સમયમાં ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. વિશાલે શેખર રવજિયાણી સાથે મળીને ઘણી ફિલ્મો માટે સુપરહિટ મ્યુઝિક આપ્યું છે. તેણે સિંગર તરીકે ઘણા ચાર્ટબસ્ટર સોંગ પણ ગાયા છે. આ ઉપરાંત, તે ઘણા સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે પણ દેખાયો છે.