સિંગાપોરની કંપનીઓ ભારતમાં 60 બિલિયન ડોલરનું રોકાણ કરશે
ઙખ મોદીની સિંગાપોર યાત્રાની ફલશ્રુતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુર મુલાકાત દરમિયાન બંને દેશોએ પોતાના સંબંધોને વધુ સુધારવા પર ભાર મૂક્યો છે. બંને દેશોના વડા પ્રધાનોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વર્ષ 2025માં બંને દેશો રાજદ્વારી સંબંધોના 60 વર્ષ અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની 10મી વર્ષગાંઠની ઉજવણી કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિંગાપોરના ઉદ્યોગપતિઓનું પણ ભારે સમર્થન મળ્યું છે. તેમણે સિંગાપોરમાં રાઉન્ડ ટેબલ બિઝનેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. જેમાં સિંગાપોરના મોટા બિઝનેસ ગ્રુપના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સિંગાપોરના નાયબ વડાપ્રધાન ગાન કિમ યોંગ દ્વારા આયોજિત આ બિઝનેસ રાઉન્ડ ટેબલ મીટિંગમાં અગ્રણી ઉદ્યોગપતિઓએ ભારતમાં તેમનું રોકાણ બમણું કરવાનું વચન આપ્યું છે.
આ વચનને ભવિષ્યમાં ભારતમાં થનારા મોટા વિકાસ કાર્યો સાથે જોડવામાં આવી રહ્યું છે. બિઝનેસ સમિટ પછી, હાઈ કમિશનર સિમોન વોંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું- સિંગાપુરના 18 મોટા ઉદ્યોગપતિઓ આ મીટિંગમાં પહોંચ્યા અને મોદી 3.0ની નીતિઓની પ્રશંસા કરી.
બેઠકમાં સિંગાપોરની મોટી કંપનીઓએ આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં લગભગ 60 બિલિયન ડોલર એટલે કે રૂૂપિયા 5 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.આ દરમિયાન વડા પ્રધાન મોદીએ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને સરળ બનાવવા માટે સિંગાપોરમાં ઈન્વેસ્ટ ઈન્ડિયા ઑફિસની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આનાથી ભારત-સિંગાપોર સંબંધો વધુ ગાઢ બનશે. બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવાથી દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મોટો વેગ મળશે.
ઉડ્ડયન ક્ષેત્ર અંગે પીએમ મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર છે. અહીં આખું આકાશ ખુલ્લું છે. સિંગાપોર સરકારે કહ્યું કે સિંગાપોર ભારતીયો માટે વિકાસ અને સમૃદ્ધિનું સુરક્ષિત સ્થળ રહ્યું છે. તેથી, આપણે જેટલા વધુ એકબીજાની નજીક આવીશું, તે આપણા બંનેને લાભ કરશે.