વિશ્ર્વના છઠ્ઠા નંબરના ઊંચા શિખર પર ત્રિરંગો ફરકાવતી શીતલ રાજ
વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ શિખર સહિત અન્ય શિખરો પર ત્રિરંગો લહેરાવનાર કુમાઉની પુત્રી શીતલ રાજે ફરી એકવાર અજાયબી કરી બતાવી છે. વિશ્વના છઠ્ઠા શિખર માઉન્ટ ચો ઓયુને જીતીને તેમણે માત્ર રાજ્યને જ નહીં પરંતુ દેશને પણ ગૌરવ અપાવ્યું છે. 8 ઓક્ટોબરે 8188 મીટર ઊંચા શિખર પર ત્રિરંગો લહેરાવીને માઉન્ટ ચો ઓયુને જીતનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું.
તેનઝિંગ નોર્ગે નેશનલ સાહસ એવોર્ડ મેળવનાર શીતલ રાજ આ પહેલા માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ અન્નપૂર્ણા, માઉન્ટ કંચનજંગા સહિત હિમાલયના ઘણા શિખરો પર સફળતાપૂર્વક ચડી ચૂકી છે. તેણે જણાવ્યું કે 5 સપ્ટેમ્બરે તેણે ચો ઓયુ પર્વત પર ચઢવાનું અભિયાન શરૂૂ કર્યું હતું.
ભારતથી નેપાળના કાઠમંડુ પહોંચતા જ તેણે ચીનના વિઝા માટે અરજી કરી. પરંતુ ભારત અને ચીન વચ્ચેના ખરાબ સંબંધોને કારણે વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. ઘણા લોકો સાથે મુલાકાત કરી અને વાતચીત પછી 20 દિવસ બાદ તેણે વિઝા મળ્યા.21 સપ્ટેમ્બરના રોજ તે રોડ માર્ગેથી ચીનની બોર્ડર પાર કરી. જયાંથી તે કિરોંગ, થિંગરી થઈને એડવાન્સ બેઝકેમ્પ પહોંચી હતી. 8 ઓક્ટોબરે ચીની સમય મુજબ સવારે 8 વાગ્યે તેમણે માઉન્ટ ચો ઓયુની ટોચ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. તે 10મી ઓક્ટોબરે ટોચ પરથી નીચે પહોંચી હતી. હાલમાં તે તિબેટમાં જ છે.