વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સામે નકસલવાદ મામલે શાહના મનઘડંત આક્ષેપ
આપણે ત્યાં ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી બહુ નિરસ હોય છે કેમ કે માત્ર સંસદસભ્યો જ મતદાર હોય છે. સંસદમાં જેની પાસે બહુમતી હોય તેનો ઉમેદવાર જીતતો હોય છે તેથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જરાય ગરમાગરમી જોવા મળતી નથી પણ આ વખતે માહોલ અલગ છે ને તેનું કારણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કરેલા આક્ષેપો છે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સી.પી. રાધાકૃષ્ણન સામે કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએના બી. સુદર્શન રેડ્ડી ઊભા છે.
શાહે આક્ષેપ મૂક્યો છે કે, જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી નકસલવાદના સમર્થક છે અને સુપ્રીમ કોર્ટના જજ તરીકે તેમણે ડાબેરી ઉગ્રવાદ અને નક્સલવાદને સમર્થન આપતો ચુકાદો આપ્યો હતો. શાહના કહેવા પ્રમાણે, જસ્ટિસ રેડ્ડીએ સલવા જુડૂમ વિરુદ્ધ ચુકાદો ન આપ્યો હોત તો 2020 સુધીમાં ડાબેરી ઉગ્રવાદનો અંત આવી ગયો હોત અને નકસલવાદનો ખાતમો બોલી ગયો હોત. શાહના આક્ષેપના પગલે ભાજપ પણ કૂદી પડયો છે. ભાજપે એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં ફરતો કર્યો છે કે જેમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ આવા બીજા ચુકાદાની પણ વાતો કરીને જસ્ટિસ રેડ્ડી ભારતવિરોધી માનસિકતા ધરાવે છે એવો દાવો કરાયો છે.
જસ્ટિસ રેડ્ડીએ તેમના કાર્યકાળ દરમિયાન ભોપાલ ગેસ દુર્ઘટના, આર્મી મેડિકલ કોલેજમાં એડમિશન સહિતના કેસોમાં આપેલ ચુકાદાનો ઉલ્લેખ કરીને જસ્ટિસ રેડ્ડી અર્બન નકસલ સમર્થક હોવાનો દાવો કરાયો છે. ભાજપનો આઈટી ડિપાર્ટમેન્ટ કુપ્રચાર અને જૂઠાણાં ફેલાવવામાં માહિર છે તેથી ભાજપ દ્વારા આવા વીડિયો ફરતા કરાય તેથી આશ્ચર્ય થતું નથી પણ દેશના ગૃહ મંત્રી આ પ્રકારની વાતો કરે ત્યારે આશ્ચર્ય પણ થાય અને આઘાત પણ લાગે. અમિત શાહની વાતનો સાર એ છે કે, જસ્ટિસ રેડ્ડીએ સેલવા જુડૂમ અંગેનો ચુકાદો આપીને દેશવિરોધી કૃત્ય કર્યું છે કેમ કે સેલવા જુડૂમ અંગેના ચુકાદાથી નકસલવાદીઓને રક્ષણ મળી ગયું. આ વાત સાચી નથી કેમ કે સેલવા જુડૂમ પર પ્રતિબંધ મૂકીને સુપ્રીમ કોર્ટે કશું ખોટું કર્યું નહોતું.
બલકે દેશને જંગલ રાજ તરફ જતો બચાવ્યો હતો, બંધારણીય જોગવાઈઓનું જતન કર્યું હતું. નકસલવાદ ગંભીર સમસ્યા છે એ વાત સાચી, તેની સામે લડવા વધારે સજજ થવું પડે એ વાત પણ સાચી પણ તેના માટે થઈને લોકોને હથિયાર થોડાં આપી દેવાય ? સરકારે આપેલાં હથિયારોનો ઉપયોગ નકસલવાદ સામે લડવાને બદલે વ્યક્તિગત હિસાબો સરભર કરવા થવા લાગેલો ને તેનો ઉપાય પણ સરકાર પાસે નહોતો. સલવા જુડૂમ એક રીતે સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરિઝમ હતું ને એટલે જ સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવી દીધું હતું. કમનસીબે સલવા જુડૂમનાં કરતૂતોની વાત કરવાના બદલે અત્યારે સારા ને સાચા ચુકાદાની ટીકા થઈ રહી છે.