હરિદ્વારમાં અસ્થિ પધરાવી પરત ફરતાં પરિવારના સાત સભ્યોનાં મોત
રાજસ્થાનના જયપુર નજીક શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર ગઇકાલના રોજ એક ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂૂણ મોત નિપજ્યા છે. હરિદ્વાર ખાતે પિતાની અસ્થિઓનું ગંગામાં વિસર્જન કરી પરત ફરી રહેલા પરિવારની કાર બેકાબૂ બનીને અંડરપાસમાં ખાબકતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી અનુસાર, અજમેર જિલ્લાના કેકડીના વતની અને હાલ જયપુરના વાટિકા ક્ષેત્રમાં રહેતા કાલુરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત આવી રહ્યા હતા.
શિવદાસપુરામાં પ્રહલાદપુરા નજીક રિંગરોડ પર તેમની કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી ત્યારે અચાનક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે અથડાઈને લગભગ 16 ફૂટ નીચે પાણી ભરેલા અંડરપાસમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.