દેશના 1205 MLA સામે હત્યા સહિતના ગંભીર ગુના
આંધ્રપ્રદેશના 78% ધારાસભ્યો સામે ફોજદારી કેસ, અપહરણ-મહિલા વિરૂધ્ધ ગુના સહિતનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનો ADRનો રિપોર્ટ
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ દેશભરના રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વર્તમાન ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્ર્લેષણ કર્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે 1861 ધારાસભ્યોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. ઈલેક્શન મોનિટરિંગ એજન્સીએ 28 રાજ્યની વિધાનસભાઓ અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના 4123 ધારાસભ્યોમાંથી કુલ 4092 ધારાસભ્યોના સોગંદનામાઓનું વિશ્ર્લેષણ કર્યું છે. 24 ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું નથી કારણ કે તેમના સોગંદનામા ખરાબ રીતે સ્કેન કરવામાં આવ્યા હતા અથવા વાંચી શકાય તેવા ન હતા. જ્યારે હાલમાં રાજ્ય વિધાનસભાઓમાં 7 બેઠકો ખાલી છે. અઉછના અહેવાલ મુજબ 4092 ધારાસભ્યોમાંથી 1861 એટલે કે 45 ટકા ધારાસભ્યોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. 1205 એટલે કે 29 ટકા એવા ધારાસભ્યો છે જેમની સામે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ,
મહિલાઓ વિરુદ્ધ ગુના જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.
આંધ્રપ્રદેશમાં ફોજદારી કેસ ધરાવતા વર્તમાન ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ છે. અહીં 174 ધારાસભ્યોમાંથી 138 એટલે કે 78 ટકા, કેરળના 134 ધારાસભ્યોમાંથી 93 એટલે કે 69 ટકા, તેલંગાણાના 119 ધારાસભ્યોમાંથી 82 એટલે કે 69 ટકા, બિહારના 241 ધારાસભ્યોમાંથી 158 એટલે કે 66 ટકા, મહારાષ્ટ્રના 286 ધારાસભ્યોમાંથી 187 એટલે કે 65 ટકા અને તમિલનાડુના 224 ધારાસભ્યોમાંથી 132 એટલે કે 59 ટકાએ સોગંદનામામાં પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.
ભાજપના 38%, કોંગ્રેસના 52% અને TDPના 86% ધારાસભ્યો સામે ફોજદારી કેસો નોંધાયા છે
ફોજદારી કેસની યાદીમાં ભાજપના 1653 ધારાસભ્યોમાંથી 638 એટલે કે 39 ટકા, કોંગ્રેસના 646 ધારાસભ્યોમાંથી 339 એટલે કે 52 ટકા, ટીડીપીના 134 ધારાસભ્યોમાંથી 115 એટલે કે 86 ટકા, ડીએમકેના 132 ધારાસભ્યોમાંથી 98 એટલે કે 74 ટકા, એઆઈટીસીના 230 ધારાસભ્યોમાંથી 95 એટલે કે 41 ટકા, આપના 124 ધારાસભ્યોમાંથી 69 એટલે કે 56 ટકા અને સપાના 110 ધારાસભ્યોમાંથી 68 એટલે કે 62 ટકા ધારાસભ્યોનો સમાવેશ થાય છે.