સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વ્યાપારી કરારો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કારોબારના અંતિમ દિવસે નરમાઈ જોવા મળી હતી. અને અમેરિકન બજારો રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યા હતાં પરંતુ ભારતીય શેરબજારમાં નકારાત્મક સંકેતો જોવા મળ્યા હતાં. ફોરેન ઈન્વેસ્ટરોની સતત વેંચવાલીના કારણે સેન્સેક્સ 700 અંકથી વધુ અને નિફ્ટી 225 અંકથી વધુ તુટ્યા હતાં. છેલ્લા બે દિવસમાં જ શેરબજારના રોકાણકારોએ રૂા. 7 લાખ કરોડ ગુમાવ્યા હતાં.
બીએસઈ સેન્સેક્સ ગઈકાલે 82,184 અંકના સ્તરે બંધ થયા બાદ આજે 119 અંક ઘટીને ખુલ્યા બાદ એક તબક્કે સેન્સેક્સ 723 અંક તુટીને 81,462ના સ્તરે સરકી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ આજે લગભગ 290 અંક તુટીને 24834ના તળિયે જોવા મળ્યો હતો.
આ સિવાય બીએસઈ મિડકેપમાં 695 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં ફસાયેલા પેચના કારણે બજારમાં નેગેટિવ સેન્ટીમેન્ટ જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયુ ભારતીય રોકાણકારો માટે નુક્શાનીનું રહ્યું હતું.