સેન્સેક્સમાં 1220 પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ 25000નું લેવલ તોડયું
વૈશ્ર્વિક બજારોમાં ભારે ઘટાડાના પગલે ભારતીય રોકાણકારોના રૂા.5 લાખ કરોડ સ્વાહા
સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેકસમાં 1000 થી વધુ અને નિફટીમાં 300થી વધુ પોઇન્ટનો ઘટાડો થતા રોકાણકારોના 5 લાખ કરોડ ધોવાઇ ગયા હતા. આજે શેરબજારમાં સાર્વત્રીક વેચવાલી જોવા મળી હતી. તમામ સેકટરમાં ઘટાડો થવા મળ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા વોકહાર્ટ કંપની અને સેબીના વડા વચ્ચે સાંઠગાંઠના સમાચારથી વોકહાર્ટ કંપનીમાં 5 ટકાની લોઅર સરકીટ લાગી ગઇ હતી.
ગઇકાલે 82201ના લેવલે બંધ થયેલ સેન્સેકસ આજે સામાન્ય ઘટાડા સાથે ખુલ્યા બાદ 1220 પોઇન્ટ ઘટીને 80981 સુધી પહોંચી ગયો હતો. જયારે નિફટીએ પણ આજે મહત્વની 25000ની સપાટી ગુમાવી દીધી છે. આજે નિફટી ગઇકાલના 25145ના બંધ સામે 344 પોઇન્ટ સુધી તુટી હતી.
નિફ્ટી 50 ખાતે સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. માત્ર 5 સ્ક્રિપ્સ જ પોઝિટિવ ટ્રેન્ડમાં ટ્રેડ થઈ રહી હતી, અન્યમાં 3 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. પીએસયુ શેર્સમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. બીએસઈ પીએસયુ ઈન્ડેક્સમાં ટ્રેડેડ કુલ 59 શેર્સમાંથી માત્ર 3 શેર્સ જીએમડીસી (2.38 ટકા), એનએલસી ઈન્ડિયા (0.41 ટકા), રાઈટ્સ (0.31 ટકા) ઉછાળે ટ્રેડ થઈ રહ્યા હતા. અન્ય તમામમાં મોટા ગાબડા જોવા મળ્યા હતા. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં ઓઈલ કંપનીઓના શેર્સ તૂટ્યા છે. મઝગાંવ ડોક 3.33 ટકા, ઓઈલ 3.50 ટકા, આઈઓસી 3.28 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે.
ટેલિકોમ ઈન્ડેક્સ આજે સમાચાર લખાયા ત્યાં સુધીમાં 3.43 ટકાના કડાકા સાથે ટોપ લૂઝર રહ્યો હતો. જેમાં સૌથી મોટુ ગાબડું દેશની ટોચની બીજા નંબરની ટેલિકોમ કંપની વોડાઆઈડિયાના શેર્સમાં (13 ટકા) નોંધાયું છે. આ સિવાય ઈન્ડસ ટાવર 5.80 ટકા, એમટીએનએલ 3.16 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક દિવસથી ટેલિકોમ ઈન્ડેક્સ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યું હતું.
વૈશ્વિક શેરબજારોના સથવારે માર્કેટમાં મોટો કડાકો નોંધાયો છે. અમેરિકાના જોબ ડેટા નબળા રહેવાના અંદાજ સાથે આર્થિક મંદી વધવાની વકી નિષ્ણાતો આપી રહ્યા છે. જેના લીધે રોકાણકારો હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેથી વિદેશી રોકાણકારો પણ વેચવાલી નોંધાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક સ્તરે આર્થિક સ્થિતિ મજબૂત છે. માર્કેટ છેલ્લા કેટલાક સમયથી સતત તેજી તરફ આગેકૂચ કરી રહ્યું હતું. જેના લીધે ઘણા શેર્સ ઓવર વેલ્યૂએશન ધરાવી રહ્યા છે. વોલ્યૂમ પણ વધ્યા છે. પરિણામે પ્રોફિટ બુકિંગના કારણે કરેક્શન જોવા મળી રહ્યુ છે.