દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું નિધન
પાંચ વખત સાંસદ, બે વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા
વરિષ્ઠ ભાજપ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું આજે મંગળવારની સવારે નિધન થયું છે. તેઓ દિલ્હી ભાજપના પહેલા પ્રદેશ અધ્યક્ષ હતા અને દિલ્હીમાંથી પાંચ વખત સાંસદ (લોકસભા સભ્ય) તેમજ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ 93 વર્ષના હતા.
વિજય કુમાર મલ્હોત્રાનો જન્મ 3 ડિસેમ્બર, 1931ના રોજ અખંડ ભારતના લાહોર (હવે પાકિસ્તાન)માં થયો હતો. ભાગલા પછી તેમનો પરિવાર ભારત આવ્યો અને તેમણે દિલ્હીમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આગળ જતાં તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દી સાહિત્યમાં પી.એચ.ડી.ની પદવી મેળવી. તેઓ વિદ્યાર્થી જીવનથી જ અભ્યાસ, સાહિત્ય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.
વિજય કુમાર મલ્હોત્રાએ રાજકારણની શરૂૂઆત જનસંઘથી કરી હતી. તેઓ દિલ્હી જનસંઘના અધ્યક્ષ રહ્યા અને 1980માં ભાજપની રચના થયા પછી પાર્ટીના પ્રથમ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ બન્યા. તેમની ઓળખ સંગઠનને સારી રીતે ચલાવનાર નેતા તરીકેની હતી. દિલ્હીમાં ભાજપનો જનાધાર ઊભો કરવામાં તેમની મોટી ભૂમિકા રહી.
વિજય કુમાર મલ્હોત્રા પોતાના લાંબા કરિયરમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય બન્યા. 1999ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહને મોટા માર્જિનથી હરાવ્યા હતા, જે તેમની સૌથી મોટી રાજકીય જીત ગણાય છે. 2004માં પણ તેઓ દિલ્હીમાંથી ભાજપના એકમાત્ર વિજેતા ઉમેદવાર હતા. આ ઉપરાંત, તેઓ દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા.