શેરબજારમાં વેચવાલી: સેન્સેકસ ફરી 83000 નીચે સરકયો
સોનામાં 10 ગ્રામે 500 અને ચાંદીમાં પ્રતિ કિલોએ 1500નો વધારો
છેલ્લા કેટલાક દિવસથી શેર બજારમાં તેજી જોયા બાદ આજે શેર માર્કેટમાં પ્રોફીટ બુકીંગ જોવા મળ્યું છે અને આજે ફરી સેન્સેકસ 83 હજારની નીચે સરકી ગયો હતો. અદાણી જુથને સેબી દ્વારા કલીન ચીટ મળી ગઇ હોવા છતાં માર્કેટ આજે નીચે પડયું હતું.
આજે માર્કેટ ખુલતની સાથે જ વેચવાલી જોવા મળી હતી. નિફટી આઇટીમાં પણ વેચવાલી જોવા મળી હતી. જો કે મીડકેપ શેરોમાં થોડા પોઝીટીવ સંકેત જોવા મળ્યા હતા. સવારે 10 વાગ્યે સેન્સેકસ 350 પોઇન્ટ નીચે સરકયા બાદ દિવસ દરમિયાન મંદીનો ઝોક યથાવત રહ્યો હતો અને એક તબક્કે સેન્સેકસ 523 અંક સુધી તુટયો હતો. બપોરે 3.15 કલાકે પણ સેન્સેકસ 383 અંક તુટી 82630ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.
જયારે નિફટી સવારે 100 પોઇન્ટ નીચે ખુલ્યા બાદ દિવસભર મંદીમાં રહ્યો હતો અને એક તબક્કે 142 અંક સુધી તુટી આજે 25428નો લો બનાવ્યો હતો. બપોરે 3:30 કલાકે નિફટી 90 પોઇન્ટ તુટી 25333 અંકના સ્તરે જોવા મળ્યો હતો. બેંકીંગ શેરોમાં પણ આજે નફાવસુલી જોવા મળી હતી. બેંકીંગ સેકટરના 12 શેરોમાંથી 6 શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
ગઇકાલે અદાણી કંપનીને સેબી દ્વારા તમામ આક્ષેપો સામે કલીનચીટ મળી ગયા બાદ આજે અદાણી જુથના શેરોમાં પણ 2થી 4 ટકાનો વધારો જોવા મળ્યો હતો.જો કે આજે સોનામાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી. આજે સોનું પ્રતિ 10 ગ્રામે 550 રૂપીયા ઉપર જોવા મળ્યું હતું. જયારે ચાંદીમાં પ્રતિ એક કિલોએ 1500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.