GST કરદાતાઓના ડેટાનું કાળાબજારમાં વેચાણ
ભારતમાં કરદાતાઓના ગોપનીય ડેટાની સુરક્ષા સામે એક ગંભીર સવાલ ઉભો થયો છે. સમગ્ર ભારતમાં GST ડેટા લીકની કથિત ફરિયાદોને પગલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) ને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો છે. CA એસોસિએશનો દ્વારા મળેલી રજૂઆતોમાં આ ડેટા લીકને એક મોટું કૌભાંડ ગણાવવામાં આવ્યું છે, અને નોર્થ બ્લોક (નાણા મંત્રાલય) સક્રિય રીતે આરોપોની તપાસ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણામંત્રીએ CBIC ને ગુપ્ત GST ફાઇલિંગ અને ઇ-વે બિલ્સના વેચાણ સાથે સંકળાયેલા કથિત મોટા ડેટા લીક કૌભાંડની ફરિયાદોની તાત્કાલિક તપાસ શરૂૂ કરવા માટે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. રજૂઆતોમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કૌભાંડ - જેણે વેપાર અને કર વર્તુળોમાં ભારે હડકંપ મચાવ્યો છે - તે ડેટા સોલ્યુશન નામથી કાર્યરત એક ગુપ્ત ગેંગ દ્વારા આયોજિત હોવાનું જણાય છે. દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડા તેના મુખ્ય ઓપરેશનલ હબ તરીકે ઉભરી રહ્યા છે.
આ લીકનો સૌપ્રથમ ઉલ્લેખ સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAS) દ્વારા આ અઠવાડિયાની શરૂૂઆતમાં નાણામંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે GSTR-1, GSTR-2B, GSTR-3B અને ઈ-વે બિલ સહિતનો ગુપ્ત કરદાતા ડેટા ગેરકાયદેસર રીતે કાળા બજારમાં પેકેજ-આધારિત સિસ્ટમમાં વેચાઈ રહ્યો હતો, જેની કિંમત જરૂૂરી વિગતોના સ્તરના આધારે રૂા.5,000 થી રૂા.25,000 સુધીની હતી.
રજૂઆતોમાં ઉમેરાયું છે કે, ત્રણ મહિના અને છ મહિનાના ડેટા બંડલનું ગેરકાયદેસર વેચાણ અનૈતિક વેપારીઓને તેમના સ્પર્ધકોની કામગીરીની નકલ કરવા સક્ષમ બનાવી રહ્યું હતું, જે વાજબી વેપાર અને વ્યવસાયિક નીતિશાસ્ત્રને ગંભીર રીતે નબળી પાડે છે.
5000થી 25000માં વેચાણ
સમીક્ષા કરાયેલા દસ્તાવેજો અનુસાર, મૂળભૂત GSTR-1 વિગતો રૂા.8,000 થી રૂા.10,000 માં ઓફર કરવામાં આવી રહી છે, જ્યારે 2B, 3B અને ઇ-વે બિલ ડેટા ધરાવતા વ્યાપક પેકેજો - ત્રણ મહિના માટે રૂા.15,000 માં વેચવામાં આવી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં, ગ્રાહકો પાસેથી ડીપ-ડાઇવ પ્રોફાઇલ્સ માટે રૂા.25,000 સુધીનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો જેમાં ટ્રાન્ઝેક્શન ઇતિહાસ, ઇંજગ કોડ અને ખરીદનાર-સપ્લાયર વિગતોનો સમાવેશ થાય છે. એસોસિએશનનો દાવો છે કે બ્રોકર્સ અને ગ્રાહકો વચ્ચે લીક થયેલી વોટ્સએપ ચેટ્સ પણ મળી આવી છે.