ઘણા કેસોમાં તમારી તપાસ જોઇ, કંઇ બોલીશ તો બબાલ મચી જશે: ED પર તડાપીટ બોલાવતા CJI
તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન સાથે જોડાયેલા 1000 કરોડના ભ્રષ્ટાચાર કેસની તપાસમાં હસ્તક્ષેપ મામલે ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સાથે સંબંધિત કથિત 1000 કરોડના કૌભાંડ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની આકરી ઝાટકણી કાઢી છે. મંગળવારે (14 ઓક્ટોબર) મુખ્ય ન્યાયાધીશ બી.આર.ગવઈ અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.
કોર્ટે EDની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, શું તમે પોલીસના અધિકારોમાં દખલ નથી કરી રહ્યા? શું રાજ્ય પોલીસ આ કૌભાંડની તપાસ નહોતી કરી શકતી, EDનો હસ્તક્ષેપ જરૂૂરી હતો? રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કોણ જુએ છે? આનાથી સંઘીય માળખા પર શું અસર થશે?
સીજેઆઇ ગવઈએ કહ્યું કે, નમેં છેલ્લા છ વર્ષોમાં ઘણા કેસોમાં ઇડીની તપાસ જોઈ છે, પરંતુ હું તેના પર કંઈ કહેવા માંગતો નથી, નહીંતર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની જશે.થ ઉલ્લેખનીય છે કે, ઇડીએ માર્ચમાં દારૂૂની બોટલોની કિંમત વધારવા, ટેન્ડરમાં હેરાફેરી અને લાંચરુશ્વતના આરોપોને લઈને TASMACના ચેન્નાઈ સ્થિત હેડક્વાર્ટરમાં દરોડા પાડ્યા હતા અને કમ્પ્યુટર સહિત અન્ય સામગ્રી જપ્ત કરી હતી.
TASMAC તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કાર્યવાહી પર સવાલ ઉઠાવીને દલીલ કરી હતી કે, ઈડી સરકારી સંસ્થા પર કેવી રીતે દરોડા પાડી શકે, જ્યારે તપાસનો આદેશ ખુદ TASMACએ જ આપ્યો હતો. મેનેજિંગ ડિરેક્ટરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા, એફઆઈઆર નોંધાઈ, સાથે ઈએસઆઈઆર પણ થઈ ગઈ. આ કેસ કેટલાક સમયમાં જ બંધ થઈ શકે છે. આપણે નિર્ણય લેવો પડશે કે, આપણે શું કરવાનું છે અને શું નહીં અને ઈડી શું કરી રહી છે.
ઈડીએ કોમ્પ્યુટર પણ જપ્ત કર્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક વાત છે.
જવાબમાં ઇડીના એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે, TASMAC પર મોટા પાયે છેતરપિંડી થઈ રહી હતી અને 47 એફઆઈઆર નોંધાઈ છે. તો સિબ્બલે દાવો કર્યો કે મોટાભાગની એફઆઈઆર બંધ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે, જો ઈડી પાસે છેતરપિંડીની કોઈ માહિતી હતી તો તેઓ સ્થાનીક પોલીસને પણ માહિતી શેર કરી શકતી હતી. એએસજી રાજુની દલીલો પર સીજેઆઇ ગવઈએ ફરી પૂછ્યું કે, શું ઈડીની કાર્યવાહી રાજ્યના તપાસ કરવાના અધિકારોનું અતિક્રમણ નથી?