કાશ્મીરમાં 11 ઠેકાણે સુરક્ષા દળો ત્રાટકયા: આતંકી નેટવર્ક સાથે જોડાણના પુરાવા મળ્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ લગાવવા માટે સુરક્ષા દળોએ મંગળવારે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શ્રીનગરના વિવિધ વિસ્તારોમાં 11 શંકાસ્પદ ઠેકાણાં પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આતંકી નેટવર્ક સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઓપરેશનમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ સામેલ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી, જેમાં લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને તેમના સમર્થકોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. શ્રીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારે શરૂૂ થયેલા આ ઓપરેશનમાં અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય શંકાસ્પદ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દરોડા દરમિયાન કાર્યકારી મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં તમામ કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું.આ કાર્યવાહી હેઠળ લગભગ 150 શંકાસ્પદોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આમાંથી ઘણા આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ, ભંડોળ પૂરું પાડવા અને પ્રચાર-પ્રસારમાં સામેલ હોવાની શંકા છે.
સુરક્ષા એજન્સીઓ આ શંકાસ્પદોના કોલ રેકોર્ડ, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય આતંકવાદી નેટવર્કને સંપૂર્ણપણે ખતમ કરવાનું છે. આ દિશામાં સતત કાર્યવાહી ચાલુ રહેશે.આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સતર્કતાનો એક ભાગ છે, જેમાં 28 લોકોના મોત થયા હતા. તે હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી અને અન્ય એજન્સીઓ આતંકવાદી સંગઠનોના નેટવર્કને તોડવા માટે સતત દરોડા અને તપાસ કરી રહી છે.
તાજેતરના દિવસોમાં શ્રીનગર, અનંતનાગ, શોપિયાં અને કુલગામ જેવા વિસ્તારોમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની વાત દોહરાવી છે. તેમણે કહ્યું, આતંકવાદને ખતમ કરવા માટે જનતાનો સહયોગ જરૂૂરી છે. અમારી સરકાર અને સુરક્ષા દળો આ દિશામાં પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ કાર્યવાહીને સમર્થન આપતા કહ્યું હતું કે આતંકવાદી પ્રવૃત્તિઓને કોઈપણ કિંમતે સહન કરવામાં આવશે નહીં.
-