જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર, ઓપરેશન ચાલુ
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં આજે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. સેનાના વિશેષ દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હાલમાં કામગીરી ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ર્યા ગયેલા બંને આતંકી જૈશ-એ-મોહમ્મદના ટોપ કમાન્ડર હતા. તેમની પાસેથી એક એમ-4 અને એક એકે સિરીઝની રાઈફલ, દારૂગોળો અને ખાદ્યપદાર્થો મળી આવ્યા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. કઠુઆના ખંડારા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશન ચાલી રહ્યું છે.
સુરક્ષા દળોને ઉધમપુરના બસંતગઢ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ વિસ્તારને ઘેરી લઈને સર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું કે બંને તરફથી અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ગુપ્તચર માહિતી અનુસાર આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંદર્ભે, છેલ્લા કેટલાક દિવસોમાં હિંસાની છૂટાછવાયા બનાવો પણ જોવા મળ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે બસંતગઢના ખંડરા ટોપમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
અધિકારીએ કહ્યું, 'સુરક્ષા દળોની સંયુક્ત ટીમ છુપાયેલા આતંકવાદીઓની નજીક પહોંચી, તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.' આ પહેલા બુધવારે જમ્મુ જિલ્લાના અખનૂરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બીએસએફનો એક જવાન ઘાયલ થયો હતો.