SC-ST ધનિકો સ્વૈચ્છિક રીતે અનામત છોડશે ખરા?
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) અનામતમાં બંને સમુદાયની જ્ઞાતિઓને પેટા અનામત આપી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 7 જજોની બંધારણીય બેંચે 4 વિરુદ્ધ 3 જજની બહુમતી સાથેના ચુકાદામાં કહ્યું હતું કે, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)માં ક્રીમી લેયરને અલગ કરવાં જોઈએ.
અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નાં લોકોમાં જ એક વર્ગે સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યું હતું પણ મોટા ભાગના રાજકારણીઓને આ ચુકાદો માફક આવ્યો નથી તેથી તેમણે તેનો વિરોધ કરવા માટે કમર કસી છે. તેના ભાગરૂૂપે છેલ્લા કેટલાક દિવસોથી એસસી-એસટી અનામતમાં પેટા અનામત આપવા સામે સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજને અપાતી અનામત બંધ કરી દેવાની દિશામાં પહેલું પગલું છે એવો પ્રચાર પણ ચાલી રહ્યો છે. ટ્વિટર પર તો છેલ્લા ચારેક દિવસથી આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે અને કાલે ભારત બંધનું એલાન પણ અનેક દલિત સંગઠનો દ્વારા અપાયું છે.
માયાવતીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે. માયાવતીનું કહેવું છે કે, આ રીતે અનામત ખતમ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. રાજ્ય સરકારે પોતાના ફાયદા માટે કોઈ પણ જ્ઞાતિને પેટા અનામત ફાળવી દેશે તેથી અનામતનો અર્થ જ નહીં રહે. અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) સમાજમાં ક્રીમી લેયર સિસ્ટમ દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સૂચનનો પણ માયાવતીએ વિરોધ કર્યો છે. મજાની વાત એ છે કે, માયાવતી પોતે સ્વીકારે છે કે દલિત સમાજમાં માત્ર 10 ટકા લોકો જ અનામતનો લાભ લઈને ધિંગા બન્યા છે. દલિત સંગઠનો અને નેતાઓનું માનવું છે કે સુપ્રીમનો ચુકાદો ભેદભાવપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટે એસસી-એસટીના ક્વોટામાં પેટા ક્વોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપીને દલિતો અને આદિવાસીઓમાં ભાગલા પાડીને પોતાના રાજકીય સ્વાર્થ સાધવાનો તખ્તો ઘડી આપ્યો છે. રાજકારણીઓ તેનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવા માટે કરશે અને એ રીતે દલિત તથા આદિવાસી સમાજ પણ વહેંચાઈ જશે. દલિતો અને આદિવાસીઓમાં પણ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓના આધારે વિભાજન પર વિભાજન થયા કરશે ને સરવાળે મતબેંકના રાજકારણની રમત બની જશે. આ સમસ્યાનો બીજો ઉકેલ એ છે કે, દલિત અને આદિવાસી સમાજમાં ધનિક અને પૈસાદાર લોકોનો અંતરાત્મા જાગે અને એ લોકો સ્વૈચ્છિક રીતે જ હવે પછી પોતે કે પોતાનાં સંતાનો અનામતનો લાભ નહીં લે એવું જાહેર કરે.
એ લોકો પોતાનો અધિકાર છોડશે તો દલિત-આદિવાસીમાંથી ગરીબ પરિવારનાં સંતાનોને વધારે લાભ મળશે ને એ લોકો પણ આગળ આવશે. આ રીતે જે પણ લાભ લેતાં જાય એ બધાં અનામત છોડતાં જાય તો એક સમય એવો આવશે કે દલિત-આદિવાસી સમાજમાં ખરેખર જરૂૂર છે એ લોકોને જ અનામતનો લાભ મળતો હશે. સવાલ એ છે કે, કુરબાની દેગા કૌન ?