'I LOVE YOU' કહેવું એ જાતીય શોષણ નહીં પણ લાગણીની અભિવ્યક્તિ: હાઇકોર્ટ
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે પોકસો કેસમાં ફટકારેલી સજા રદ કરી
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદા હેઠળ દોષી ઠેરવાયેલા 35 વર્ષીય પુરુષની સજા રદ કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ‘આઈ લવ યુ’ જેવા શબ્દો કહેવા એ ફક્ત લાગણીની અભિવ્યક્તિ છે અને તે એકલા જાતીય ઈરાદો દર્શાવતા નથી.આ નિર્ણય જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકેની બેન્ચે 2015ના એક કેસની સુનાવણી દરમિયાન આપ્યો, જેમાં નાગપુરની સેશન્સ કોર્ટે 2017માં આરોપીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ કેસ 2015નો છે, જ્યારે 17 વર્ષની એક કિશોરીએ આરોપ લગાવ્યો હતો કે 35 વર્ષના એક પુરુષે તેને શાળાએથી ઘરે પરત ફરતી વખતે હેરાન કર્યો. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ કિશોરીનો હાથ પકડીને કહ્યું, હું તને પ્રેમ કરું છું. આ ઘટના બાદ કિશોરીએ ઘરે જઈને પોતાના પિતાને આ વાત જણાવી, અને તેના આધારે ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO કાયદા હેઠળ FIR દાખલ કરવામાં આવી. નાગપુરની સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવીને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ કેસની સુનાવણી કરતાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો અને સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કર્યો. જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકેની બેન્ચે તેમના આદેશમાં જણાવ્યું કે જાતીય હેતુ અથવા હુમલાની વ્યાખ્યામાં અયોગ્ય સ્પર્શ, બળજબરીથી કપડાં ઉતારવા, અભદ્ર હાવભાવ, અથવા એવી ટિપ્પણીઓનો સમાવેશ થાય છે જેનો હેતુ વ્યક્તિના ગૌરવનું અપમાન કરવાનો હોય.
કોર્ટે નોંધ્યું કે આ કેસમાં આવા કોઈ પુરાવા નથી કે જે આરોપીના જાતીય ઈરાદાને સાબિત કરે.કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું, ‘આઈ લવ યુ’ જેવા શબ્દો એકલા જાતીય હુમલા તરીકે ગણી શકાય નહીં. આવા શબ્દો પાછળ જાતીય સંબંધ બાંધવાનો હેતુ હતો તે દર્શાવવા માટે વધુ નક્કર પુરાવાની જરૂૂર છે. બેન્ચે એમ પણ જણાવ્યું કે આ ઘટના છેડતી કે જાતીય સતામણીના દાયરામાં આવતી નથી, કારણ કે આ શબ્દો ફક્ત લાગણીની અભિવ્યક્તિ દર્શાવે છે અને તેમાં જાતીય ઈરાદો સાબિત થતો નથી.