5 દિવસ, 17 કલાક અને 28 મિનિટમાં વિશ્ર્વની સાત અજાયબી જોઇ લીધી
બંગાળી સુજોયકુમાર મિત્રાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો
વિશ્વની સાત અજાયબી એકસાથે તો ઠીક પણ એક જનમમાં જોવી એ પણ અશક્ય લાગે એવી વાત છે, પણ બંગાળી મોશાય સુજોયકુમાર મિત્રાએ સાતેસાત અજાયબી એક જનમમાં અને એકસાથે અને એ પણ માત્ર પાંચ દિવસ, 17 કલાક અને 28 મિનિટમાં જોઈ લીધી છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમણે બીજી વાર સ્થાન મેળવ્યું છે. મિત્રાએ બીજી સપ્ટેમ્બરથી જોર્ડનના પ્રાચીન શહેર પેટ્રાથી યાત્રા શરૂૂ કરી હતી અને બીજા દિવસે 8 સપ્ટેમ્બરે પૂરી કરી હતી.
આખા 6 દિવસ પણ નહીં, એટલા સમયમાં 7 અજાયબીની યાત્રા કરવી એ કાંઈ નાનીમાના ખેલ નથી. આ યાત્રા કરવા માટે ફ્લાઇટ-કનેક્શન મળવું બહુ અઘરું હોય છે. સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવાનું હોય છે. બીજિંગ ઍરપોર્ટ પર તેમને મુશ્કેલી પડી હતી. મિત્રા ફ્લાઇટ ઊડવાના સમય કરતાં માત્ર 45 મિનિટ વહેલા પહોંચ્યા હતા. ચીનમાં ઇમિગ્રેશન અધિકારીઓએ આ પ્રવાસ વિશે પૂછપરછ કરવામાં બહુ સમય લીધો હતો. લગભગ ફ્લાઇટ ચૂકી જવાની સ્થિતિ આવી ગઈ હતી. વિવિધ દેશોના કાયદાની સાથોસાથ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સના નિયમો પણ પાળવાના હતા.
નક્કી કરેલા સાર્વજનિક પરિવહનનો જ ઉપયોગ કરવાનો હતો. ટ્રાન્ઝિટ હબ વચ્ચે 50 કિલોમીટર જેટલું ઓછું અંતર હોય ત્યાં જ ટેક્સી કરવાની હતી. દરેક અજાયબી સ્થળે પહોંચીને ફોટો પાડવાના, વિડિયો ઉતારવાનો, સાક્ષીઓ ઊભા કરવાના હતા. આ પહેલાં ગયા વર્ષે 2023માં મિત્રાએ 7 મહાદ્વીપની સૌથી ઝડપી યાત્રા કરીને વિશ્વવિક્રમ સરજ્યો હતો.
મિસ્રની 45 વર્ષની મેગ્ડી આઇસાએ 6 દિવસ, 11 કલાક, બાવન મિનિટમાં 7 અજાયબીની યાત્રા કરી હતી. મિત્રાએ તેમનો રેકોર્ડ તોડ્યો છે. સુજોયકુમારે 198 દેશો ફરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. મિત્રાને કુલ 13 ગિનેસ વર્લ્ડ રેકોર્ડ કરવા છે અને એમાંથી પાંચ રેકોર્ડ કરી લીધા છે. બે રેકોર્ડનું વેલિડેશન થઈ રહ્યું છે અને 6 વિક્રમ માટે આયોજન કરી રહ્યા છે.