સરદારે મુંબઇ મહારાષ્ટ્રને આપવા સામે વિરોધ કર્યો હતો, હવે મુંબઇને ગુજરાતમાં ભેળવી દેવાશે: ઠાકરે
હિન્દી ભાષાને ફરજિયાત કરવાનો વિવાદ ચરમસીમાએ, ઠાકરે બંધુઓ બેફામ, દુબેને દરિયામાં ડૂબાડી દેવાની ધમકી
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે ગઇકાલે મીરા રોડ પર પહોંચ્યા હતા. મીરા રોડ પહોંચીને ઠાકરેએ કહ્યું કે, હિન્દી ભાષાથી કોનું ભલું થયું છે? તે ભાષા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હેરાનપરેશાન છે. હિન્દી કોઈ પણ રાજ્યની માતૃભાષા નથી. હિન્દી આડીઅવળી તૈયાર કરાઈ, 200 વર્ષ જૂની ભાષા છે. હિન્દીએ 250થી વધુ ભાષાઓને મારી નાખી. હનુમાન ચાલીસા અવધિ ભાષામાં લખાયેલી છે, હિન્દીમાં નથી.
રાજ ઠાકરેએ મીરા રોડ પહોંચવા પર તેમનું સ્વાગત કરવા માટે ચાર જેસીબી ઉભા રખાયા હતા, જેનાથી તેના પર ફૂલોનો વરસાદ કરાયો. તેમણે કહ્યું કે, પહું અહીં જાણીજોઈને આવ્યો. તે દિવસે જે ઘટના બની, મરાઠી જો ન સમજી તો કાનની નીચે મરાઠી સંભળાશે જ.
રાજ ઠાકરેએ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે તમને શું લાગે છે, મરાઠી વેપારી નથી. કેટલા દિવસ સુધી બંધ કરીને રહેશો. અમે જ્યારે કંઈ ખરીદીશું ત્યારે કંઈ નહીં થાય? મહારાષ્ટ્રમાં રહેવું છે તો શાંતિથી રહો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રીજી ભાષા હિન્દીની કડકાઈ કરીશું. ત્યારબાદ આંદોલનના ડરથી જ નિર્ણય પરત લઈ લીધો. હું કહેવા માગુ છું કે મહારાષ્ટ્રમાં 1થી 5 ધોરણ સુધી હિન્દી લાવીને તો બતાવો. દુકાન જ નહીં સ્કૂલ પણ બંધ કરાવી દઈશું. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, મુંબઈ, મહારાષ્ટ્રને ન આપતા. આપણે જેમને આદરથી જોતા હતા, તેમણે મુંબઈને મહારાષ્ટ્રમાં આપવાનો વિરોધ કર્યો હતો. તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર રૌફ જમાવશે? જો કોઈ તમારા પર આ રીતે રૌફ બતાવે તો તેના કાનની નીચે બજાવો. તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે. ધીરે-ધીરે કરીને મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે.
મહારાષ્ટ્રમાં વધી રહેલા મરાઠી ભાષાના વિવાદ વચ્ચે, પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર પર મુંબઈનું મહત્વ ઘટાડવાનો આરોપ લગાવ્યો છે. શિવસેના યુબીટીના અગ્રણી નેતાએ કહ્યું કે અમે તોડવાની ભાષાનો ઉપયોગ નથી કરી રહ્યા પરંતુ મુંબઈ ધીમે ધીમે તેનું મહત્વ ગુમાવી રહ્યું છે. અહીંના ઉદ્યોગો અને વ્યવસાયોને ગુજરાત લઈ જવામાં આવી રહ્યા છે.
ફિલ્મ ઉદ્યોગને અહીંથી ખસેડવાની પણ વાત થઈ રહી છે. ઠાકરેએ ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે હું સ્પષ્ટપણે કહું છું કે જો કોઈ મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવાની વાત કરશે તો અમે તેના ટુકડા કરી નાખીશું.