For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંઘ વડા ભાગવતે મણિપુરની વાસ્તવિકતા ઉજાગર કરી

12:59 PM Sep 09, 2024 IST | Bhumika
સંઘ વડા ભાગવતે મણિપુરની વાસ્તવિકતા ઉજાગર કરી
Advertisement

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને ફરી મણિપુર યાદ આવી ગયું છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપના પોઠિયા તો સ્વીકારતા નથી પણ મોહન ભાગવતે સ્વીકાર્યું કે, મણિપુરમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી અને મણિપુરમાં સ્થિતિ હજુ પણ મુશ્કેલ છે. સ્થાનિક લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે અને જે લોકો મણિપુરમાં વેપાર કે સામાજિક સેવા માટે જાય છે તેમની હાલત વધારે ખરાબ છે, તેમના માટે માહોલ વધારે પડકારજનક છે. મોહન ભાગવતને ફરી મણિપુર યાદ આવી ગયું તેનું કારણ શંકર દિનકર કાણે છે.

શંકર દિનકર કાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા અને 1971 સુધી મણિપુરમાં બાળકોને શિક્ષિત કરવાના અભિયાનમાં રોકાયેલા હતા. મોહન ભાગવતે પૂણેમાં શંકર દિનકર કાણેની 100મી જન્મજયંતિના કાર્યક્રમમાં આડકતરી રીતે સ્વીકાર્યું કે, મણિપુરમાં જે કંઈ હકારાત્મક કામગીરી થઈ રહી છે એ બિન સરકારી સંગઠનો કરી રહ્યાં છે જ્યારે કેન્દ્ર સરકાર કશું નોંધપાત્ર નથી કરી રહી. ભાગવતે આ ત્રણ મહિનામાં બીજી વાર મણિપુરની વાત કરી છે. આ પહેલાં જૂનમાં પણ મોહન ભાગવતે કહ્યું હતું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. મણિપુરમાં દસ વર્ષ સુધી શાંતિ હતી અને એવું લાગતું હતું કે પુરાણા ગન કલ્ચરનો અંત આવ્યો છે પણ આ ગન કલ્ચર ફરીથી પાછું આવ્યું છે અથવા લાવવામાં આવ્યું છે પણ તેની આગ હજી સુધી સળગી રહી છે આ આગ લોકોને દઝાડી રહી છે ત્યારે તેના પર કોણ ધ્યાન આપશે? મોહન ભાગવત નાગપુરમાં આરએસએસના એક કાર્યક્રમ દરમિયાન ભાષણ આપતાં મોદી સરકારને યાદ અપાવેલું કે, મણિપુરને પ્રાથમિકતા આપીને તેના વિશે વિચાર કરવો એ કર્તવ્ય છે. ભાગવતે આડકતરી રીતે કહી જ દીધું છે કે, બહારનાં લોકો તો મણિપુરમાં ઘૂસી શકે એવી સ્થિતીમાં જ નથી ને મણિપુરમાં રહેતાં લોકો પણ સલામત નથી. દેશના બીજા કોઈ રાજ્યમાં આવી હાલત નથી એ જોતાં મણિપુરમાં કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ જ બચી નથી એવું કમ સે કમ ભાગવતના નિવેદન પરથી તો લાગે જ છે.

Advertisement

મણિપુરમાં આ હાલત છે પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મણિપુરમાં જવાનો સમય નથી. મોદી આટલી ભયંકર હિંસા પછી પણ મણિપુર ગયા નથી કે મણિપુરની હિંસા વિશે એક શબ્દ બોલતા નથી. મોદી સાહેબ પાસે બ્રુનેઈ, ઈન્ડોનેશિયા ને મલેશિયા જેવાં મુસ્લિમ રાષ્ટ્રોમાં જવાનો સમય છે પણ પોતાના જ દેશના એક રાજ્યનાં લોકોની વચ્ચે જઈને તેમનાં આંસુ લૂછવાનો સમય નથી. ભાગવતે મણિપુરનો મુદ્દો ઉઠાવીને સારું કામ કર્યું કેમ કે બીજું કોઈ તો મણિપુરના મુદ્દે બોલવા જ તૈયાર નથી. મણિપુરની વાસ્તવિક સ્થિતી એકદમ ખરાબ છે એવું નથી સરકારનો કોઈ મંત્રી બોલતો કે નથી ભાજપના કોઈ નેતા બોલતા. ભારતીય મીડિયા પણ આ મુદ્દે મૌન છે. મણિપુરમાં દેશના જ નાગરિકો જઈ ના શકે એ હદે ખરાબ સ્થિતી છે એ ક્યાંય વાંચવા, સાંભળવા કે જોવા મળતું નથી. ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ આ દેશના મીડિયા એ બધું જોતું નથી, સાંભળતું નથી ને બોલતું પણ નથી ત્યારે ભાગવતે કમ સે કમ બોલવાનું પસંદ તો કર્યું એ મોટી વાત છે. હમણાં કેરળના પલક્કડમાં સંઘની સમન્વય બેઠક મળી તેમાં કોલકાત્તાની મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર થયેલા બળાત્કાર અને હત્યાની સંઘે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી.

સંઘે બેઠક પછીના મીડિયા સાથેના સંવાદમાં આ વાત સ્વીકારી. સંઘે કેટલી મીનિટ કે કલાકો ચર્ચા કરી એ ખબર નથી પણ એક સંવેદનશીલ મુદ્દે ચર્ચા કરીને સારું કરેલું. ભાગવતે મણિપુરની ગેંગ રેપની ઘટના વિશે પણ એવી સંવેદના બતાવવાની જરૂર હતી એવું નથી લાગતું ? કે સંઘની સંવેદના પણ ભાજપની જેમ જ ક્યા રાજ્યમાં કોનું શાસન છે તેના પર નિર્ભર છે?

Advertisement
Tags :
Advertisement
Advertisement