સલમાન માફી નહીં માગે, તેેણે ક્યારેય વંદો પણ માર્યો નથી: સલીમ ખાન
બાબા સિદ્દીકીની હત્યા સાથે સલમાનને કોઇ લેવા દેવા નથી, પિતાએ મૌન તોડ્યું
બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલિવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ વચ્ચે દુશ્મનાવટની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. આ દરમિયાન મુંબઈ પોલીસને આ ગેંગના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં 5 કરોડ રૂૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ હશે. આ તમામ વિવાદો વચ્ચે સલીમ ખાને સ્પષ્ટપણે કહી દીધું છે કે તેમનો પુત્ર સલમાન ખાન ક્યારેય માફી નહીં માંગે.
ઈન્ટરવ્યુમાં સલીમ ખાને સ્પષ્ટ કહ્યું છે કે સલમાન ખાન માફી નહીં માંગે. તેણે કહ્યું કે સલમાને ક્યારેય પ્રાણીઓનો શિકાર કર્યો નથી. તેણે કહ્યું કે સલમાન ખાનને જે ધમકીઓ મળી રહી છે તે માત્ર છેડતી માટે છે. સલીમ ખાને કહ્યું, સલમાને ક્યારેય કોઈ પ્રાણીની હત્યા નથી કરી. સલમાને ક્યારેય સામાન્ય વંદો પણ માર્યો નથી. અમે હિંસામાં માનતા નથી.
સલીમ ખાને કહ્યું, લોકો અમને કહે છે કે તમે હંમેશા જમીન તરફ નીચું જુઓ છો. તમે ખૂબ જ નમ્ર છો. હું તેમને કહું છું કે આ શરમની વાત નથી. મને ડર છે કે મારા પગ નીચે એક જીવડું પણ ઘાયલ થઈ જશે. હું તેમને પણ સાચવું છું.
સલીમ ખાને ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે પરિવાર સમજી શકતો નથી કે સલમાન અને બાબા સિદ્દીકીની હત્યા વચ્ચે કઈ રીતે કોઈ સબંધ હોઈ શકે. તેમનું માનવું છે કે જો આમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામેલ છે, તો તે એક અલગ મુદ્દો છે, જેમાં મિલકતને લઈને વિવાદ સામેલ હોઈ શકે છે. સલીમ ખાને બાબા સિદ્દીકીની હત્યા સાથે સલમાન ખાનનો કોઈ સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે.
આ સમગ્ર મામલામાં બાબા સિદ્દીકીની હત્યાથી સ્થિતિ વધુ વણસી ગઈ છે. તેના હત્યારાઓએ બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે, જેના કારણે સલમાનના નજીકના લોકોની ચિંતા વધી ગઈ છે. સલમાન ખાનની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી તેના ઘરની આસપાસ સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.