સૈફના હુમલાખોરનો અતોપત્તો નથી: ગેંગની સંડોવણી સરકારે નકારી
ઘટનાના લગભગ 48 કલાક પછી, ઘરફોડ ચોરીના પ્રયાસ દરમિયાન અભિનેતા સૈફ અલી ખાન અને તેના ઘરેલુ સ્ટાફ પર હુમલો કરનાર ઘૂસણખોરનો કોઈ પત્તો લાગ્યો નથી. બાંદ્રા પોલીસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રચવામાં આવેલી ટીમોએ જ્યારે છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે તપાસ અંગે વિગતો જાહેર કરવાની બાકી હતી, પરંતુ મહારાષ્ટ્રના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે સંગઠિત ગેંગની સંડોવણીને નકારી કાઢી હતી. બીજી તરફ સંદિગ્ધ હુમલાખોરનો કપડા બદલેલો નવો વિડીયો સામે આવ્યો છે.
બાંદ્રામાં ખાનના એપાર્ટમેન્ટમાં સીસીટીવીમાં જોવા મળેલા વ્યક્તિની જેમ દેખાતા એક શકમંદને દક્ષિણ મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે ડ્રગ્સનો દુરુપયોગ કરનાર હતો જે ગુના સમયે ઘરે હતો. શુક્રવારે બપોરે તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
હુમલાખોરને શોધવા માટે અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 20 ટીમો બનાવવામાં આવી છે. બે દિવસ પહેલા અભિનેતાના ઘરમાં ફર્નિચરનું કામ કરનારા બે સુથાર સહિત ઘણાની પૂછપરછ કરવામાં આવી હતી. ખાનની પત્ની કરીના કપૂરે શુક્રવારે પોલીસને પોતાનું નિવેદન આપ્યું હતું. પોલીસ ઘટના સમયે વિસ્તારમાં નવા નંબરોની હાજરીને ચકાસવા માટે મોબાઇલ ડેટાને પણ ટ્રેક કરી રહી છે. બીજી બાજુ સૈફને હોસ્પિટલે લઇ જનાર રીક્ષા ડ્રાઇવરે મીડીયા સાથેની વાતચીતમાં ઇજાગ્રસ્ત અભિનેતા સાથે પુત્ર તૈમુર અને એક પુરૂષ વ્યક્તિ હોવાનું જણાવ્યું હતુ.
ડ્રાઇવરે જણાવ્યું સૈફ ખુદ ચાલીને આવ્યો હતો, ઘણાબધા લોકો હતા સાથે. લેડીઝ પણ હતી. નાનું બાળક પણ હતુ તેમની સાથે. કદાચ તેમનું બાળક હશે. રીક્ષામાંથી ઉતરીને તે પણ ખુદ ચાલવા લાગ્યા. તેમના ગળાના ભાગે ઇજા થઇ હતી, પીઠ પર પણ વાગ્યુ હતુ. એવુ લાગ્યુ કે લોહી વધુ નીકળી ગયુ હતુ. જ્યારે ઉતર્યા ત્યારે લાલ જ લાલ દેખાઇ રહ્યું હતું. ત્રણ લોકો હતા. મે રીક્ષા ભાડુ પણ ના લીધુ. સૈફ અલી ખાન જરાય ડરેલો ન હતો. આરામથી રીક્ષામાંથી ઉતર્યો જેમ કે આપસી મામલો હોય. એકબીજા સાથે ઇંગ્લિશમાં વાત કરી રહ્યાં હતા. ઓટોમાં સૈફની સાથે બે લોકો બીજા પણ હતા. એક નાનુ બાળક અને એક પુરુષ. સૈફ પોતાના બાળક સાથે સતત વાત કરી રહ્યા હતા. ડ્રાઈવરે કહ્યું, હોસ્પિટલ પહોંચ્યા પછી, સૈફે ત્યાંના સ્ટાફને કહ્યું કે હું સૈફ અલી ખાન છું. સ્ટ્રેચર જલ્દી લાવો.