ટ્રમ્પના ટેરિફ વારથી રૂપિયો 88.29ના નવા તળિયે, સોનુ-ચાંદી સર્વોચ્ચ સપાટીએ
ભારત પર અમેરીકાએ ઝીકેલા પ0 ટકા ટેરીફ વચ્ચે ડોલર સામે રૂપિયાનો રકાશ નિકળતા 88.29 નાં નવા ઓલ ટાઇમ લો પર પહોંચી ગયો છે. જયારે સોના - ચાંદીમા બેફામ તેજીથી ઓલ ટાઇમ હાઇ પર ભાવ પહોંચ્યા છે. રાજકોટમા હાજરમા 24 કેરેટ ફાઇન ગોલ્ડનો 10 ગ્રામનો ભાવ રૂ. 1.05 લાખ બોલાયો છે. જયારે 1 કિલો શુધ્ધ ચાંદીનો ભાવ 1.21 લાખ પહોંચી ગયો છે. આ ઉપરાંત ભારતીય શેરબજારમાથી સતત વિદેશી રોકાણકારો પોતાનુ રોકાણ પાછુ ખેચી રહયા છે જેનાં પગલે રૂપિયો એશિયાનુ સૌથી ખરાબ પ્રદર્શન કરતુ ચલણ બની ગયો છે.
આજે સોના અને ચાંદીમા વૈશ્ર્વિક લેવલે ભારે ઉછાળો જોવા મળ્યો હતો. લંડન મેટલ એક્ષચેંજ પર સોનાનો ભાવ 3400 ડોલર પ્રતિ ઓંશ અને ચાંદીનો ભાવ 38 ડોલરને પાર થઇ ગયો હતો. જેનાં પગલે લોકલ માર્કેટમા પણ ભારે ભાવ વધારો જોવા મળ્યો હતો. રાજકોટમા હાજરમા સોનાનો ભાવ 1,05,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો બોલાયો હતો. જયારે ચાંદીનો ભાવ 1,21,100 પ્રતિ કિલો બોલાયો હતો. આજે ડોલર સામે રૂપિયો 26 પૈસાથી વધુ ગગડી ગયો હતો અને 88.29 નાં નવા તળીયે પહોંચ્યો હતો.
અમેરીકાએ ભારત પર લગાવેલા ટેરીફ બાદ સીટી ગ્રુપનો અંદાજ છે કે ભારતની વાર્ષિક જીડીપીમા 0.8 ટકાનો ઘટાડો થશે. જેથી લઇને વૈશ્ર્વિક રોકાણકારો પણ ભારત તરફથી મોઢુ ફેરવી રહયા છે. જેને લઇને ભારતીય ચલણ વૈશ્ર્વિક લેવલે સતત ધોવાઇ રહયુ છે. ચાઇનાનાં ચલણ યુઆન સામે પણ ભારતનો રૂપિયો ઓલ ટાઇમ લો પર પહોંચી ગયો છે. આ અઠવાડીયામા રૂપિયો ચીનનાં યુઆન સામે 1.2 ટકા અને માસિક ધોરણે 1.6 ટકા તુટી ગયો છે. આજે પહેલીવાર રૂપિયાએ ડોલર સામે મનોવૈજ્ઞાનિક સપાટી 88નુ લેવલ તોડીને 88.29 સુધી ટ્રેડ કર્યુ છે. ભવિષ્યમા વધુ તુટે તેવી સંભાવનાઓ વ્યકત કરવામા આવી રહી છે.