પંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યા
પંજાબના ફિરોઝપુરમાં, મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના સ્વયંસેવકના પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી. તેનું નામ નવીન અરોરા (32) હતું.
નવીનના પિતા, બલદેવ રાજ અરોરા, ઘણા વર્ષોથી RSS સાથે જોડાયેલા છે. તેમના દાદા, દીનાનાથ અરોરા, પણ ફિરોઝપુરમાં લાંબા સમયથી RSS સ્વયંસેવક હતા. આ ઘટના શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે નવીન અરોરા પોતાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની પાસે દુપટ્ટાની દુકાન હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બાબા નૂર શાહ વલી દરગાહ પાસે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ગોળી તેમના માથામાં વાગી હતી અને તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ભાજપ પંજાબના વડા સુનિલ જાખડે કહ્યું કે ફિરોઝપુરમાં આરએસએસ સ્વયંસેવક બલદેવ રાજ અરોરાના પુત્ર નવીન અરોરાની હત્યાએ પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પર્દાફાશ કર્યો છે. ડ પર એક પોસ્ટમાં જાખડે કહ્યું કે પંજાબમાં ગુંડાઓ સરકાર ચલાવી રહ્યા છે અને મુખ્યમંત્રી ભગવંત માન તેમની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. જાખડે કહ્યું કે આજે પંજાબના લોકો આતંકના વાતાવરણમાં રહેવા માટે મજબૂર છે.