RSSના નેતાની હત્યાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત
પંજાબના ફિરોઝપુર જિલ્લાના મહામુજોહિયા ગામમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) નેતાના પુત્રની હત્યાના મુખ્ય આરોપીનું મોત થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીના બે સાથીઓ તેને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે એન્કાઉન્ટર શરૂૂ થયું. 15 નવેમ્બરના રોજ ફિરોઝપુરમાં બે મોટરસાઇકલ સવારોએ RSS નેતા બલદેવ રાજ અરોરાના પુત્ર નવીન અરોરાની ગોળી મારીને હત્યા કરી હતી. આ કેસના મુખ્ય આરોપી બાદલ, જે મહામુજોહિયા ગામના બસ્તી ભટ્ટીયાનનો રહેવાસી છે, તેની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.
ફિરોઝપુર રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરમનબીર સિંહ ગિલે જણાવ્યું હતું કે બાદલના ખુલાસાના આધારે, જ્યારે પોલીસ ટીમ તેને સ્મશાનભૂમિ લઈ જઈ રહી હતી, ત્યારે તેના બે સાથીઓ, જે પહેલાથી જ ત્યાં છુપાયેલા હતા, તેમણે પોલીસ પર ગોળીબાર કર્યો અને બાદલને છોડાવવાનો પ્રયાસ કર્યો.પોલીસે સ્વબચાવમાં વળતો જવાબ આપ્યો હતો. ગોળીબારમાં બાદલ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.