બિહારની ચૂંટણી પહેલાં ફરી એક વખત રોબર્ટ વાડરા નિશાને
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હરિયાણાના ગુડગાંવ એટલે કે ગુરુગ્રામ જમીન સોદાને લગતા કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડરા સામે મની લોન્ડરિંગનના આરોપો સાથે ચાર્જશીટ દાખલ કરતાં વાડરા પાછા ચર્ચામાં છે. કેન્દ્ર સરકારની કે બીજી કોઈ પણ તપાસ એજન્સીએ વાડરા સામે ક્રિમિનલ કેસમાં ચાર્જશીટ દાખલ કર્યું હોય એવું પહેલી વાર બન્યું છે. આ ચાર્જશીટમાં વાડરા સિવાય બીજા ઘણા લોકો અને કંપનીઓનાં નામ છે પણ વાડરા નહેરૂૂ-ગાંધી ખાનદાનના જમાઈ છે અને પાછા વગોવાયેલા છે તેથી વધારે ચર્ચા તેમના નામની થઈ રહી છે. ઈડીએ 16 જુલાઈએ આ કેસમાં 37.64 કરોડ રૂૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી ને એક દિવસ પછી ચાર્જશીટ દાખલ કરી દીધી. કોંગ્રેસ વાડરાના બચાવમાં મેદાનમાં આવી ગઈ છે ને આગેવાની રાહુલ ગાંધીએ લીધી છે. કોંગ્રેસે વાડરા સામેના ચાર્જશીટને કોંગ્રેસીઓને ડરાવવાનો પ્રયાસ ગણાવ્યો છે તો રાહુલ ગાંધીએ ષડયંત્ર ગણાવ્યું છે.
રાહુલે એક્સ પર લખ્યું છે કે, ભાજપ સરકાર છેલ્લા દસ વર્ષથી મારા બનેવી રોબર્ટે વાડરીને હેરાન કરવાનું ષડયંત્ર અમલમાં મૂકીને બેઠી છે અને આ ચાર્જશીટ એ જ પડયંત્રનો ભાગ છે. રાહુલનું કહેવું છે કે, રોબર્ટ, પ્રિયંકા અને તેમનાં બાળકો રાજકીય રીતે પ્રેરિત નિંદા અને ઉત્પીડનનો સામનો કરી રહ્યાં છે તેથી મારો તેમને સંપૂર્ણ ટેકો છે અને અંતે, સત્યનો વિજય થશે. રાહુલના નિવેદનમાં કશું નવું નથી ને તેમના આક્ષેપોમાં પણ કશું નવું નથી પણ રાહુલની વાત અડધીપડધી સાચી છે. અડધીપડધી એ રીતે કે રોબર્ટ વાડરા સામે એકસાથે પગલાં લેવાના બદલે ઈડી કેસને છેલ્લાં 13 વર્ષથી રમાડી રહી છે. 2012માં વાડરાની કંપનીનો દસ્તાવેજ રદ કરી નાંખ્યો એ સાથે વાડરાનું પાપ છાપરે ચડીને પોકાર્યું. જેલની હવા ખાવાના બદલે વાડરા પોતાના ફાર્મહાઉસની તાજી હવા ખાય છે. વિદેશોમાં હરેફરે છે ને એકદમ તાજામાજા થઈને રહે છે. સામાન્ય રીતે કોઈ પણ ચૂંટણી નજીક આવે એટલે ભાજપના નેતાઓને વાડરાનો ભ્રષ્ટાચાર યાદ આવી જાય છે પણ પછી કોણ વાડરા ને કેવો ભ્રષ્ટાચાર? ચૂંટણી તાકડે જ રોબર્ટ વાડરા સામેનો કેસ ખૂલે છે ને એકાદ પગલું ભરાય છે.
એ પછી રાત ગઈ બાત ગઈ. બીજી ચૂંટણી આવે ત્યાં લગી વાડરા ભલે ને મોજ કર્યા કરે. અત્યારે પણ એ જ ખેલ થઈ રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે પાછા વાડરાને સાણસામાં લેવાના હોય એવો દેખાવ કરાઈ રહ્યો છે પણ જેવી ચૂંટણી પતશે કે તરત વાડરાનો કેસ પાછો વખારમાં નાખી દેવાશે. આપણે ત્યાં સરકારમાં ફાઈલ આગળ વધતાં મહિનાઓ નિકળી જાય છે ત્યારે વાડરાની કંપની પર હુડ્ડા સરકાર કેમ મહેરબાન થઈ એ ઓપન સીક્રેટ છે. રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી મળતાં જમીનની કિંમત રોકેટની ગતિએ વધી ગઈ ને લગભગ 2 મહિના પછી જૂન 2008માં સ્કાયલાઈટે આ જમીન ડીએલએફને 58 કરોડ રૂૂપિયામાં વેચી દીધી. વાડરાની કંપનીએ ઓન પેપર 4 મહિનામાં 700 ટકાથી વધુ ભાવે જમીન વેચી હતી. વાસ્તવમાં વાડરા માટે વકરો એટલો નફો હતો કેમ કે વાડરાની કંપનીએ એક પણ પાઈ ચૂકવી નહોતી.